Dakshin Gujarat

‘સલામ સાહેબ, અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં વપરાયેલી 2 કાર મેં ભરૂચમાં જોઈ છે’

ભરૂચ: ‘સલામ સાહેબ, સિરિયલ ૨૧ બોમ્બ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી ૨ કાર અને તેને અંજામ આપનાર આતંકીએ આશરો ભરૂચમાં લીધો છે’. બસ આ એક IPS અભય ચુડાસમાને કરાયેલો કોલ આતંકીઓને હાલમાં સજા તરફ દોરી જવા માટે કારગર નીવડ્યો છે.

અમદાવાદમાં તા.૨૬ જુલાઇ-૨૦૦૮ના રોજ ૨૧ જગ્યાએ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં ડેઝિગ્નેટેડ જજ અંબાલાલ પટેલે ૬૭૫૨ પાનાંના ચુકાદામાં ૭૮ આરોપી પૈકી ૪૯ આરોપીને દોષિત ઠેરવ્યા છે. જ્યારે ૨૮ આરોપીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે. આ ગુનાનો ભેદ ઉકેલવો ગુજરાત પોલીસ માટે એક પડકાર હતો. પોલીસ સામે ઘટના બાદ એકતરફ સ્થિતિ નિયંત્રણમાં રાખવાનો, તો બીજી તરફ દેશને આતંકના ઓછાયા હેઠળ રાખવાના મનસૂબા સેવનાર તત્ત્વોના ઘમંડને ચકનાચૂર કરી જેલના સળિયા પાછળ ધકેલવા પણ તેટલા જ જરૂરી હતા.
આતંકી મનસુબાને ઝડપવા માટે પોલીસની તમામ ફોર્સ કામે લાગ્યા બાદ આખા મામલામાં સક્રિય ભૂમિકા ભજવનાર IPS અધિકારી અભય ચુડાસમાનો મોબાઈલ ફોન રણક્યો હતો. ફોન કરનાર ભરૂચનો પોલીસ કોન્સ્ટેબલ હતો. સીધું કર્મચારીએ IPS અભય ચુડાસમાને કહ્યું: ‘સલામ સાહેબ, બોમ્બ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી બે કાર મેં ભરૂચના એક મકાનમાં આ સપ્તાહમાં જ જોઈ છે. મને ચોક્કસ લાગે છે કે, આ કાર જે ઘર પાસે હતી ત્યાં આંતકી પણ હોઈ શકે. IPS અભય ચુડાસમાએ તરત જ એક્શનમાં આવીને પોલીસની એક ટીમ ભરૂચ રવાના કરી હતી. પોલીસની એક ટીમ ફોન કરનાર ભરૂચના શેરપુરા સ્થિત ઘરે પહોંચી હતી. જ્યાં ફોન કરનાર વિશ્વાસુ માણસ હાજર હતો. આ મકાન ગુલામભાઈ નામના ભરૂચના જાણીતા વ્યક્તિનું હતું. કેટલાક લોકોએ કાપડનો વેપારી હોવાની ઓળખ આપી ભાડે રાખ્યું હતું. ઘરના દરવાજા ખોલતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. મકાનમાં બોમ્બ બનાવાયા હોવાનાં અવશેષો મળી આવ્યાં હતાં. આ ઘરેથી સિરિયલ બ્લાસ્ટ બાદ પોલીસને મળેલી પહેલી કડી હતી.

કોન્સ્ટેબલને જીવનું જોખમ હોવાથી પુરસ્કારો અને સન્માનથી વંચિત!
સુરક્ષા કારણે આતંકીઓને જેલ હવાલે કરવામાં મહત્ત્વની ભૂમિકા કરનાર કોલરની ઓળખ જાહેર કરાઈ નથી. સાચી ઓળખ છતી નહીં કરવા અને આ પોલીસકર્મીને જીવનું જોખમ હોવાથી રાષ્ટ્રીય પુરસ્કારથી ભલે વંચિત હોવા છતાં આજે પણ દેશદાઝ માટે કર્તવ્યનિષ્ઠ કર્મી છે.

Most Popular

To Top