Gujarat

અમદાવાદની હોટેલમાંથી એકે-47 રાઈફલના પાર્ટસ બનાવનારની ઘરપકડ

અમદાવાદ(Ahmedabad): અમદાવાદ શહેરમાંથી એકે-47 (AK-47) રાઈફલના જુદા જુદા પાર્ટસ (Parts) બનાવનાર વિદેશી નાગરિક સહિત બે શખ્સોની અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે (Crime Branch) ધરપકડ કરી તેમની પાસેથી એકે-47ના 22 પાર્ટસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કોર્ટમાં (Court) રજૂ કરી સાત દિવસના રિમાન્ડ (Remand) મેળવ્યા છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા વિદેશી નાગરિક યમનનો રહેવાસી હોવાનું અને તેનું નામ અબ્દુલ અઝીઝ હોવાનું જાણવા મળ્યું હતું. તે મેડિકલ વિઝા ઉપર મુંબઈમાં આવ્યો હતો, અને ત્યાંથી અભ્યાસમાં રોકાઈ અમદાવાદમાં આવી જુદી જુદી હોટલોમાં રોકાયા બાદ એકે-47ના જુદા જુદા પાર્ટસ બનાવતો બનાવતો હતો. પોલીસે તેની ધરપકડ કરી તલાશી લેતા તેની પાસેથી એકે-47 રાઈફલના જુદા જુદા 22 જેટલા પાર્ટસ મળી આવ્યા હતા. આ ઉપરાંત તેની પાસેથી કેટલાક પાર્ટસની ડિઝાઇન પણ મળી આવી હતી.

શહેર ક્રાઈમ બ્રાન્ચના વડા પ્રેમવીરસિંહ જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નિકોલ રીંગરોડ પાસેની હોટલમાંથી યમનના નાગરિક અબ્દુલ અઝીઝની ધરપકડ કરી હતી. તેની પાસેથી એકે-47 રાયફલ જુદા જુદા 22 પાર્ટસ મળી આવ્યા હતા. આરોપીની વધુ પૂછપરછ હાથ ધરતાં તે નવેમ્બર મહિનામાં મેડિકલ વિઝા ઉપર મુંબઈ આવ્યો હતો. તેના પિતાને હાર્ટની તકલીફ હોવાથી તેની સારવાર કરવા તે મુંબઈમાં આવ્યો હતો. જોકે ડિસેમ્બર મહિનામાં તેના પિતા સારવાર કરાવીને પાછા ગયા હતા. ત્યારબાદ આરોપી અબ્દુલ જાન્યુઆરીમાં અમદાવાદમાં આવ્યો હતો અને ગુગલના માધ્યમથી લેથ મશીન ઉપર ડાઈઝ તૈયાર કરતી કંપનીઓને શોધી તેમની પાસે એકે-47 રાઈફલના જુદા જુદા પાર્ટસ તૈયાર કરાવતો હતો.

વધુ પૂછપરછ દરમિયાન યમનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં હથિયારોની જરૂર હોવાથી અને પાર્ટસનો ઉપયોગ પણ ખૂબ મોટા પ્રમાણમાં થતો હોવાથી તેણે આ પાર્ટસ બનાવડાવ્યા હોવાનો બહાર આવ્યું છે. યમનના આરોપી અબ્દુલને રાજકોટનો એક ટ્રાન્સલેટર મળ્યો હતો, તે અમદાવાદમાં આવી જતાં અમદાવાદમાં એકે-47ના પાર્ટસ બનાવવાની શરૂઆત કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top