વાપી : મુંબઈમાં (Mumbai) શેર માર્કેટનું કામ કરતા એક આધેડ અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં (Train) મુંબઈ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે ઊંઘનો લાભ લઈ કોઈ ગઠિયો રૂ.8.67 લાખની કિંમતના સોનાના દાગીના ભરેલી બેગ (Bag) લઈ છૂ થઈ ગયો હતો. મુંબઈ પહોંચ્યા બાદ ખબર પડતાં આધેડે મુંબઈ રેલવે પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવતાં 0 નંબરથી તે ફરિયાદ વાપી રેલવે પોલીસને મળતાં પોલીસ તપાસ કરી રહી છે.
મુંબઈના ગોરેગાંવ (વેસ્ટ) સ્થિત ગજાનંદ કોલોની, ચંપા ચોક હાઉસિંગ સોસાયટીના રૂમ નં.102માં રહેતા 72 વર્ષીય નેનમલ પન્નાલાલ જૈન શેર માર્કેટિંગનું કામકાજ કરી રહ્યા છે. તેઓ ગુરૂવારે રાત્રે અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચ-બી/2માં સીટ નં.1 પર મુંબઈ પરત ફરી રહ્યા હતા. તેમણે ભૂરા કલરની ટ્રોલીવાળી બેગ સીટની નીચે મૂકી હતી. તે દરમિયાન તેમની ભર ઊંઘનો લાભ લઈ કોઈ ગઠિયો તેમની બેગ ચોરી કરી ભાગી ગયો હતો. આ બેગમાં રૂ.8,67,500ની કિંમતના સોનાના દાગીના ભરેલા હતા. આ ટ્રેન જ્યારે વાપીથી રાત્રે ઉપડી ત્યારે નેનમલ જૈન જાગી ગયા હતા. ત્યારે તેમની ટ્રોલીવાળી બેગ તેમની સીટ નીચે જોવા મળી ન હતી. જેથી તેમણે સવારે મુંબઈ ઉતરીને રેલવે પોલીસમાં બેગ ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ 0 નંબરથી વાપી રેલવેને મળતાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.
જલાલપોરના મોટી કરોડ ગામે ૩ ઘરમાં તસ્કરો ત્રાટક્યા : લોકો જાગી જતા તસ્કરો ભાગ્યા
નવસારી : મોટી કરોડ ગામે તસ્કરોએ એક ઘરમાંથી ૧.૨૭ લાખની ચોરી કરી હતી. જયારે અન્ય બે ઘરોમાં ચોરી કરવા જતા ઘરના લોકો જાગી જતા તસ્કરો નાસી ગયાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામે તળાવ ફળીયામાં જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. ગત ૯મીએ જયેશભાઈ અને તેમના પરિવારજનો રાત્રે જમીને સુઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોરે તેમના ઘરના પાછળ રસોડામાં આવેલી બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે ચોરે ઘરના કબાટમાં તેમજ પતરાના ડબ્બામાં મુકેલા રોકડા ૧,૨૭,૫૦૦ રૂપિયા ચોરી કરી નાસી ગયો હતો. બીજા દિવસે સવારે જયેશભાઈની પત્ની ઉઠ્યા હતા. અને તેમણે ઘરમાં સમાન વેરવિખેર પડેલો અને કબાટ ખુલ્લો જોતા ચોરી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેમણે જયેશભાઈને ઉઠાડી ઘરમાં તપાસ કરતા રોકડા રૂપિયા ચોરી થયાનું જણાયું હતું. આ સિવાય ચોરોએ મહોલ્લામાં રહેતા નરેન્દ્રભાઈ જીવણજી પટેલ અને શંકરભાઈ પ્રભુભાઈ પટેલના ઘરે જઈ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓના ઘરના સભ્યો જાગી જતા ચોરો ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે જયેશભાઈએ જલાલપોર પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એ.એન. ચૌધરીએ હાથ ધરી છે.