સુરત(Surat): લિંબાયતમાં મિત્રની (Friend) હત્યાનો (Murder) બદલો લેવા માટે તમંચો લઇને ફરતા એક સગીરને પોલીસે (Police) પકડી પાડ્યો હતો, તેની પુછપરછમાં બીજા બે યુવકો પણ તમંચા લઇને ફરતા હોવાથી તેઓની પણ ધરપકડ કરાઇ હતી.
- સગીરની પુછપરછમાં બીજા બે તમંચા પણ મળી આવ્યા
- પોલીસે સગીર સહિત ત્રણની અટકાયત કરી
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓએ એક સગીરને પકડી પાડ્યો હતો. આ સગીરની તપાસ કરતા તેની પાસેથી એક તમંચો મળી આવ્યો હતો. પોલીસે તેની કડક પુછપરછ કરતા આ દેશી તમંચો લિંબાયતમાં જ રહેતા વિકાસ ઉર્ફે નેપાળી શિવકુમાર યાદવની પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સગીરને સાથે રાખીને વિકાસ ઉર્ફે નેપાળીની ધરપકડ કરી હતી, વિકાસની પુછપરછમાં લિંબાયતમાં જ રહેતા સત્યમ ઉર્ફે આનંદ વેદપ્રકાશ તિવારીએ તમંચો આપ્યો હોવાની વાત બહાર આવતા સત્યમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, વિકાસ અને સત્યમ બંને મોજશોખ માટે દેશી તમંચો લઇને ફરતા હતા, જ્યારે સગીરનો એક મિત્ર નામે ગુડ્ડુની થોડા સમય પહેલા જ હત્યા થઇ હતી, આ હત્યાનો બદલો લેવા માટે સગીરે તમંચો લઇ ફરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સગીર સહિત ત્રણેયને કોવિડ રિપોર્ટ કઢાવવાની તજવીજ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.