સાપુતારા(Saputara) : કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharamane) થોડા દિવસ પૂર્વે સંસદનાં બજેટમાં (Budget) રીવર લિંક પ્રોજેક્ટ (Riverlink Project) હેઠળ પાર તાપી, નર્મદા અને દમણગંગા-પીંજલ નદીનાં જોડાણ કરાશેની જાહેરાત કરી હતી. જેમાં પાર-તાપી-નર્મદા લિંક યોજના અંતર્ગત સાત સૂચિત બંધ બનશે એવો ઉલ્લેખ કર્યો છે. તેમાં ડીપીઆર મુજબ પાર નદી પર ઝરી, પેખડ અંબિકા પર ચીકાર અને પૂર્ણા નદી પર કેળવન તથા ઔરંગા નદી પર ચાસ માંડવા નજીક બંધ બનાવવાની યોજના છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ફરી મહાકાય ડેમો બનવાની વાત સામે આવતા જય આદિવાસી જય જાહેર સંગઠનો હરકતમાં આવ્યા છે.
- દક્ષિણ ગુજરાતમાં ફરી મહાકાય ડેમો બનવાની વાત સામે આવતા જય આદિવાસી જય જાહેર સંગઠનો હરકતમાં
- ડાંગના કાલીબેલની આશ્રમ શાળામાં પાર, તાપી, લિંક અંગે આદિવાસી સમાજનાં લોકોએ બોલાવેલી બેઠકમાં હુંકાર કરાયો
- ડેમોનાં વિરોધમાં કયા અગ્રણીનાં નેજા હેઠળ બેઠક લેવાશે તેના નામની જાહેરાત થઈ નથી
ડાંગ જિલ્લામાં પણ વ્હોટસોપ ગૃપોમાં રિવરલીંક પ્રોજેક્ટ અંતર્ગત જાહેર થયેલા ડેમોનો વિરોધ થઈ રહ્યો છે. આજે આ ડેમોનાં વિરોધમાં ડાંગ જિલ્લાનાં સોશિયલ મીડિયા ગૃપોમાં ‘ડાંગ બચાવો ડેમ હટાવો’ નાં મેસેજ વાયરલ થયા હતા. જે વાયરલ થયેલા મેસેજમાં તા. 06/02/2022નાં રવિવારનાં રોજ કાલીબેલ આશ્રમ શાળા ખાતે પાર તાપી લિંક અને ડાંગ બચાવો ડેમ હટાવો બાબતે સમગ્ર આદિવાસી સમાજનાં આગેવાનો, યુવાનો, નેતાઓ, આદિવાસી સમાજનાં સામાજિક કાર્યકરોની બેઠક બોલાવી હોવાનો હુંકાર કરાયો છે. વધુમાં જણાવ્યુ છે કે ડાંગ બચાવો ડેમ હટાવો અંતર્ગત ચર્ચા કરવા સામાન્ય બેઠક યોજવાની હોવાથી લોકો ઉપસ્થિત રહે અને આ મેસેજ વધુમાં વધુ આગળ મોકલે અને આ લડાય વધુ મજબૂત બને તે દિશામાં લઇ જવાનું આહ્વાન કર્યુ છે. ત્યારે ડાંગ જિલ્લાનાં ડેમોનાં વિરોધમાં કાલીબેલ ખાતે કયા અગ્રણીનાં નેજા હેઠળ આ બેઠક લેવાશે તેના નામની જાહેરાત થઈ નથી. ત્યારે રીવર લિંક પ્રોજેક્ટ અંગેનાં વિરોધનું વંટોળ ડાંગ જિલ્લામાં કેટલા અંશે અસર કરશે તે આગામી દિવસોમાં જ ખબર પડશે.