સુથારી કામ માટે એડવાન્સ 25 હજાર આપવાનું કહી ભેજાબાજે 2 રૂપિયા મોકલી 99 હજાર ઓનલાઇન ઊંચકી લીધા

પારડી(Pardi) : પારડીમાં ફેબ્રિકેશનનું (Fabrication) કામ કરતા મિસ્ત્રીના ગૂગલ પેના (Google Pay) એપ્લિકેશનમાંથી એક ફ્રોડ આરોપીએ એડવાન્સ પેમેંટ (Advance Payment) આપવાનું કહી ઓનલાઈન રૂ. 99 હજાર ઉપાડી જતા પારડી પોલીસ મથકે (Police Station) ફરિયાદ (Complaint) નોંધાઈ હતી. એડવાન્સ પેટે 25 હજાર આપવાનું કહી ભેજાબાજે 2 રૂપિયા મોકલી 99 હજાર ઊંચકી લીધા હતા.

  • પારડીમાં મિસ્ત્રીના ગૂગલ પે થી રૂ. 99 હજાર ઉપડી ગયા
  • લોકોએ આધુનિક સુવિધાઓનો ઘ્યાનપૂર્વક ઉપયોગ કરવો જરૂરી

પારડી વલ્લભાશ્રમ સ્કૂલ પાસે રહેતા અને સુથારનું કામ કરતા સુનિલ નારાયણચંદ પ્રજાપતિ પર 8 થી10 દિવસ અગાઉ તેના મોબાઈલ પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે ‘મારે સુથારી કામ કરવાનું હોવાથી વલસાડ ગ્રીનપાર્કનું મોબાઈલ પર લોકેશન આપ્યું હતું. બાદમાં ફરી ત્રણ ચાર દિવસ પછી ફોન આવતા ફ્રોડ ઇસમે કામકાજનું કોટેશન આપવા જણાવ્યું હતુ. સુનિલભાઈએ કોટેશન આપ્યા બાદ ફ્રોડ ઇસમે એડવાન્સ પેમેન્ટ કરવા માટે જણાવી ગૂગલ પે એપના માધ્યમથી પ્રથમ ઓનલાઈન 2 રૂપિયા નાખ્યા હતા. રૂ. 25 હજાર નાખ્યા છે તે સુનિલભાઈને ચેક કરવા જણાવ્યું હતું. ગૂગલ પે એપ ખોલીને જોતા 25 હજાર, 49 હજાર અને 25 હજાર મળી કુલ 99 હજાર ઉપડી ગયા હતા. ત્યારે સુનિલભાઈએ ઓનલાઈન રૂપિયા ગુમાવતા પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ સાઇબર ક્રાઈમને પણ ફરિયાદ આપી હોવાનું સુનિલ પ્રજાપતિએ જણાવ્યું હતુ. ત્યારે ફરી એકવાર ઓનલાઈન રૂપિયા ઉપડી જતા લોકોએ આધુનિક સુવિધાઓનો ધ્યાનપૂર્વક ઉપયોગ કરવો જરૂરી હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે. હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ભેજાબાજને એક લાખ લીધા બાદ પણ સંતોષ નહીં થતા હજી પણ ઠગનો ફોન આવ્યો હતો, ત્યારે પોલીસ આ નંબરના આધારે લોકેશન ટ્રેક કરી ભેજાબાજને પકડે તેવી ફરિયાદીએ આશા વ્યક્ત કરી હતી.

Most Popular

To Top