માંડવી(Mandvi): માંડવી તાલુકાના વિરપોર (Veerpor) ગામે શુક્રવારે (Friday) ભાજપના (BJP) નેતાને ત્યાં પુત્રના લગ્ન પ્રસંગમાં (Marriage Function) કોવિડ-૧૯ સરકારની ગાઈડ લાઈનનું પાલન નહીં થતાં પોલીસ સાથે ઘર્ષણ થતાં આખરે ગુનો (Complaint) દાખલ કરાયો હતો.
હાલમાં દેશભરમાં ચાલી રહેલી કોરોનાવાયરસની મહામારીના ચેપી રોગનો વધુ ફેલાવો ન થાય એ માટે લગ્નમાં તથા જાહેર કાર્યક્રમોમાં ૩૦૦થી વધુ વ્યકિત ભેગા નહીં કરવા માટે સરકારે એક જાહેરનામું બહાર પ્રસિદ્ધ કરી અને માસ્ક તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે કડક સૂચના આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના વિરપોર ગામે રહેતા ભાજપના વિરોધ પક્ષ નેતા અનિલ વેચાણ વસાવાના પુત્ર જનકકુમારનો લગ્ન પ્રસંગ હતો, જેમાં આશરે ૬૦૦થી ૭૦૦ વ્યક્તિ ભેગા હોવાનું જણાતાં સરકારના જાહેરનામાનો ભંગ થયો હતો. પોલીસે ત્યાં જઈ ડી.જે.ની તાલે નાચતાં લોકોને છૂટા પાડતાં બંને વચ્ચે ઘર્ષણ થતાં આખરે ભાજપના વિરોધ પક્ષ નેતા અનિલ વેચાણ વસાવા તથા પત્ની ચંદ્રિકા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
તાપી જિલ્લામાં કોવિડ રસીકરણની સાથે બાળકો અને સગર્ભાઓ માટે પણ રૂટિન રસીકરણ
વ્યારા: કોવિડ-૧૯ મહામારી પરિસ્થિતિના કારણે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને માઠી અસર થઈ છે. જે અનુસંધાને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સુદ્રઢ કરવા માટે તાપી જિલ્લામાં રૂટીન ઈમ્યુનાઈઝેશન અંતર્ગત હાઈરિસ્ક એરિયા, દુર્ગમ વિસ્તાર, શેરડી કટિંગ, ઈંટના ભઠ્ઠા, બાંધકામ સાઈટ સહિત અરક્ષિત માતા અને ૦થી ૨ વર્ષનાં બાળકોનું ૧૦૦ ટકા રસીકરણ માટે ભારત સરકાર દ્વારા ઈન્ટેન્સીફાઈડ મિશન ઈન્દ્રધનુષ ૪.૦ અંતર્ગત ૦૩ તબક્કાનું આયોજન કરાયું છે. જેમાં આશા બહેન, આરોગ્ય કાર્યકર દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર વિસ્તારના દરેક ઘર, હાઈરિસ્ક એરિયા, દુર્ગમ વિસ્તાર, શેરડી કટિંગ, ઈંટના ભઠ્ઠા, બાંધકામ સાઈટની મુલાકાત લઈ સગર્ભા માતા તથા ૦થી ૨ વર્ષનાં બાળકોનું રસીકરણ સ્ટેટસ તપાસી યાદી તૈયાર કરશે.
હેડ કાઉન્ટ સરવે દરમિયાન મળેલી સગર્ભા માતા તથા ૦થી ૨ વર્ષ ના આધારે મિશન ઈન્દ્રધનુષ સેશનનું આયોજન કરવામાં આવશે. ઈન્ટેન્સીફાઈડ મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૨૨થી એપ્રિલ-૨૦૨૨ દરમિયાન મિશન ઈન્દ્રધનુષ ૪.૦ ના ૩ રાઉન્ડનું આયોજન કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ તા.૭ ફેબ્રુઆરી,૨૦૨૨થી ૭ દિવસ, બીજો રાઉન્ડ તા.૭ માર્ચ,૨૦૨૨થી ૭ દિવસ, ત્રીજો રાઉન્ડ તા.૪ એપ્રિલ,૨૦૨૨થી ૭ દિવસ, મિશન ઈન્દ્રધનુષ ૪.૦ પ્રથમ રાઉન્ડ માટેના હેડ કાઉન્ટ સરવે દરમિયાન ૧૩૬ અરક્ષિત બાળકો અને ૪૪ સગર્ભા મળી આવ્યાં હતાં. જેમને રક્ષિત કરવા માટે ૩૮ ફિક્સ્ડ સેશન અને ૧૨ મોબાઈલ સેશન એમ કુલ ૫૦ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ રસીકરણમાં છૂટી ગયેલા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.