
ભારતે (India) આજે સંગીત ક્ષેત્રનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો છે. આજે લતા મંગેશકર દુનિયાને અલવિદા કરી ગયા છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
8 જાન્યુઆરીએ 92 વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી 10 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. તેઓ 29 દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા સામે લડી રહ્યા હતા.
તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. લાંબા સમયથી લતાજીની સારવાર કરી રહેલા ડો.પ્રતિત સમદાની દેખરેખ હેઠળ તબીબોની ટીમ લતાજીની સારવાર કરી રહ્યા હતા. લગભગ 5 દિવસ પહેલા તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
લતાજીને (Lata Mangeshkar) સંગીતની (Music) દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યાં હતાં. 92 વર્ષની ઉંમરે તેઓએ દુનિયાને અલવિદા કીધું. 2001માં ભારત સરકારે (Indian Government) તેમને ભારત રત્નથી (Bharat Ratna) સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને ‘દાદા સાહેબ ફાળકે’ અવૉર્ડથી તેઓને નવાજવામાં આવ્યાં હતાં.
લતા મંગેશકરને ભારતીય સિનેમામા સૌથી સફળ ગાયિકા ગણવામાં આવતાં હતાં. તેમણે 13 વર્ષની ઉંમરથી જ પોતાનું સંગીતમાં કરિયર શરૂ કરી દીઘું હતું. તેઓએ અલગ અલગ ભાષામાં 30 હજારથી પણ વધારે ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. ભારત સરકાર તરફથી તેઓને ભારત રત્ન ઉપરાંત પદ્મ ભૂષણ તેમજ પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે અવોર્ડ તેમજ બીજા અનેક નેશનલ ઈન્ટરનેશનલ ફિલ્મ અવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. લતાજી એ ગુજરાતી ભાષામાં પણ અનેક ગીતોમાં પોતાનો ફાળો આપ્યો હતો. ગુજરાતી ગીતોની વાત કરીએ તો માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે, દીકરી તો પારકી થાપણ કહેવાય, વૈષ્ણવ જનતો, હે કાનુડા તોરી ગોવાલણ, હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે જેવા લોકપ્રીય ગીતો, ભજનો તેમજ પ્રભાતિયાઓંમાં તેમણે પોતાનો સ્વર આપ્યો હતો. લતાજીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સામેલ કરવામાં આવ્યું હતું.
પોતાના ગીતો દ્વારા લતા મંગેશકરે 2 થી 3 પેઢીઓને પોતાના મધુર અવાજથી મંત્રમુગ્ધ કર્યા હતાં. સવાર કે પછી રાતને યાદગાર બનાવવી હોય, લતાજીના કંઠે ગવાયેલા ગીતો લાંબી સફરને પણ સરળ બનાવી દે છે. લત્તા મંગેશકર 36 પ્રાદેશિક ભાષાઓમાં 30 હજારથી વધી ગીતો ગાઈ ચૂક્યા છે. લતાનો અવાજ જ તેમની ઓળખ હતી કે જેની પાછળ દુનિયા પણ પાગલ છે. લતાજીને “Voice Of Nation” અને “ડૉટર ઓફ નેશન” તરીકે ઓળખવામાં આવતાં હતાં. લતાજીએ 7 દાયકાઓ સુધી ભારતીય સિનેમામાં તેમનું યોગદાન આપ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા મંગેશકરના ખૂબ જ મોટા પ્રશંસક છે. લતા મંગેશકર સાચા અર્થમાં “ભારત રત્ન” હતાં.