આધેડને કચડી મારતાં લોકોના ટોળાએ કરી લકઝરીમાં તોડફોડ , બે બસો સળગાવી દેતા મચી ભારે અરાજકતા


ભરૂચ(Bharuch): રાત્રે શેરપુરા ચોકડીએ બિરલા કંપનીની (Birla Company) લકઝરી બસે (Bus) આધેડને કચડી મારતાં રોષે ભરાયેલ લોકોએ લકઝરી બસમાં તોડફોડ કરી અનેય બે લકઝરી બસને સળગાવી દીધી હતી.

  • શેરપુરા ચોકડીએ રાત્રે બિરલા કંપનીની લકઝરી બસે આધેડનો ભોગ લેતાં લોકો વિફર્યા
  • દહેજ બાયપાસ રોડ પર ચક્કાજામ કરતા પોલીસના ઘાડે ધાડા દોડી ગયા

દહેજ બાયપાસ રોડ ઉપર ભરૂચના શેરપુરા ગામ નજીક માર્ગ પરથી પસાર થતી બિરલા કોપર કંપનીની લકઝરી બસે ૫૫ વર્ષીય રૂષતમ આદામ મચવાલાને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં રોષે ભરાયેલા લોકોના ટોળે ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. માર્ગ ઉપર ટોળાએ ચક્કાજામ કરી અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી તેને આગને હવાલે કરી દીધી હતી. આટલેથી જ ટોળાએ નહિ અટકી અન્ય બે લકઝરી બસમાં પણ આગ ચાંપવા સાથે અરાજકતા અને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું. બીજી તરફ દહેજ બાયપાસના શેરપુરા રોડ નજીક ભડકે બળતી ૨ લકઝરી બસ વચ્ચે ટોળાના રસ્તાજામથી દહેજ, જંબુસર તેમજ હાઇવે અને ભરૂચ તરફથી આવતો ટ્રાફિક પણ અટકી ગયો હતો.

રસ્તા પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ
થોડીવારમાં રસ્તા ઉપર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ સહિત 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી. પોલીસે માંડ માંડ મામલો થાળે પાડી રોષે ભરાયેલા ટોળાને વિખેરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે સળગતી બસોને ફાયર ફાઈટરોએ બુઝાવવાની કવાયત આરંભી હતી. ઘટના બાદ વધુ વિગતો બહાર આવી શકે તેમ છે. લકઝરી બસમાં સવાર કંપનીના કર્મચારીઓ અને અન્ય મુસાફરો પોતાના જીવ બચાવવા સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો હતો.

Most Popular

To Top