લીડર બનવા માટે કેપ્ટન હોવું જરૂરી નથી : વિરાટ કોહલી

ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડ્યા પછી પહેલીવાર વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીના ઉદાહરણને ટાંકતા કહ્યું હતું કે ટીમના લીડર બનવા માટે કેપ્ટન હોવું જરૂરી નથી. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલા પરાજય પછી અચાનક વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એ પહેલા તેણે ટી-20ની કેપ્ટનશિપ છોડી હતી અને વન ડેના કેપ્ટનપદેથી તેને હટાવી દેવાયો હતો. હવે વિરાટ એક બેટ્સમેન તરીકે ટીમમાં રમતો દેખાશે.

માજી ભારતીય કેપ્ટન વિરાટે ફાયરસાઇટ ચેટ શો દરમિયાન વાત કરતાં કહ્યું હતું કે જુઓ, મને લાગે છે કે સૌથી પહેલા તો તમારે એ વાત સમજી લેવી જોઇએ કે તમે શું મેળવવાનું નિર્ધારિત કર્યું છે. તમે એ લક્ષ્યાંકને મેળવ્યો છે કે નહીં. દરેક બાબતનો એક ટાઇમ પીરિયડ હોય છે, તેથી તમને એ બાબતે જાણકારી હોવી જ જોઇએ. એક બેટ્સમેન તરીકે તમે ટીમને વધુ આપવામાં સક્ષમ બની શકો છો અને તે બાબતે ગર્વ લેવો જોઇએ. કોહલીએ કહ્યું હતું કે મારી કેપ્ટનશિપ હેઠળ જ્યારે ધોની ટીમમાં હતો ત્યારે એવું નહોતું કે તે લીડર નહોતો. એ તે સમયે પણ એ વ્યક્તિ હતી કે જેની પાસેથી અમે ઇનપુટ લેવાનું ઇચ્છતા હતા. હાર-જીત તમારા હાથમાં નથી હોતી, પણ ઉત્કૃષ્ટતા માટે પ્રયાસ કરીને દરરોજ બહેતર બનવું જરૂરી
હોય છે.

હું માત્ર ખેલાડી હતો ત્યારે પણ કેપ્ટનની જેમ જ વિચારતો હતો : કોહલી
વિરાટ કોહલીએ કહ્યું હતું કે પહેલા એમએસ ધોની કેપ્ટન હતો અને તે પછી મને કેપ્ટન બનાવાયો. જો કે મારી માનસિકતા એટલા સમયથી એક જ રહી હતી. હું જ્યારે ટીમમાં માત્ર એક ખેલાડી હતો ત્યારે પણ હું હંમેશા એક કેપ્ટનની જેમજ વિચારતો હતો. તેણે કહ્યું હતું કે મને લાહે છે કે તમામ પ્રકારની ભૂમિકાઓ અને તકોને સ્વીકારવી જોઇએ અને હું હંમેશા એ રીતે જ રમ્યો છું.

કેપ્ટનશિપની જવાબદારી વગર કોહલી હવે પોતાની બેટિંગ પર વધુ ધ્યાન આપી શકશે : રિકી પોન્ટીંગ
ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક એવા રિકી પોન્ટીંગે કહ્યું હતું કે વિરાટ કોહલીએ જ્યારે ટેસ્ટ કેપ્ટનપદેથી હટી જવાનો નિર્ણય કર્યો ત્યારે મને તેના નિર્ણયથી સૌથી વધુ નવાઇ લાગી હતી, પણ મારું માનવું છે કે કોહલીએ બેટિંગમાં બહેતર પ્રદર્શન કરવા અને કેટલાક રેકોર્ડ તોડવાના ઉદ્દેશથી આ નિર્ણય કર્યો હશે. પોન્ટીંગે કોહલીના નેતૃત્વ કૌશલ્યની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેની આગેવાનીમાં ભારતનો વિદેશમાં રેકોર્ડ સુધર્યો અને તેણે પહેલાની સરખામણીએ વિદેશમાં વધુ મેચો જીતી. પોન્ટીંગે ‘ધ આઇસીસી રિવ્યુ્’ના પહેલા એપિસોડમાં કહ્યું હતું કે આઇપીએલના પહેલા તબક્કામાં મારી તેની સાથે વાત થઇ હતી અને તે સમયે તેણે મને કહ્યું હતું કે મર્યાદિત ઓવરોની કેપ્ટનશિપ તે છોડીને ટેસ્ટની કેપ્ટનશિપે જળવાઇ રહેવા માગે છે, તેથી મને નવાઇ લાગી હતી. તે સાત વર્ષ સુધી કેપ્ટન રહ્યો હતો અને મારા મતે જો વિશ્વમાં કોઇ ટીમની કેપ્ટનશિપ કરવી સૌથી મુશ્કેલ કામ હોય તો તે ભારત છે. કારણકે ત્યાં આ રમત વધુ લોકપ્રિય છે અને દરેક ભારતીય પોતાની ટીમને જીતતી જ જોવા માગે છે.
કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં 42 મહિના નંબર વન રહી
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ક્રિકેટના પરંપરાગત ફોર્મેટ ટેસ્ટમાં 42 મહિના સુધી આઇસીસી રેન્કિંગમાં નંબર વન પર રહી હતી. કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા ઓક્ટોબર 2016માં પહેલીવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બની હતી અને 2020 માર્ચ સુધી ભારતીય ટીમ નંબર વન પર જળવાયેલી રહી હતી. સતત 42 મહિના સુધી ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન રહીને રાજ કરવું એ પોતાની રીતે ઘણી મોટી વાત છે.

Most Popular

To Top