પલસાણા : પલસાણા (Palsana) તાલુકાનાં વરેલીના એપાર્ટમેન્ટના (Appartment) ફ્લેટમાં મહિલાની ચપ્પુ મારીને હત્યા (Murder) કરવાના ગુનાના ગુનાનો ભેદ પોલીસે (Police) ઉકેલી નાખ્યો છે. મહિલાનો હત્યારો ગુનાહિત ઈતિહાસ ધરાવતો તેનો ભત્રીજો જ નીકળ્યો હતો, પોલીસે તેની ધરપકડ કરી હતી.
વરેલી ગામમાં વલ્લભનગરમાં રાજદીપ રેસિડેન્સીના ફ્લેટ નંબર 122માં ગત શુક્રવારના રોજ બપોરના 3 વાગ્યાના સમયે 40 વર્ષીય મહિલા સંગીતા કપિલ લોખંડેની લોહીલુહાણ હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. કડોદરા પોલીસે તપાસ આરંભી હતી. પોલીસે પરિવારના સભ્યોના લીધેલા નિવેદનમાં જાણવા મળ્યું હતું કે પરિવારના સભ્યો વચ્ચે અગાઉ ઘરકંકાસ હતો તેમજ મહિલા પતિના મૃત્યુ બાદ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમાર રહેતી હોવાથી પોલીસને હત્યા પાછળ ઘરના જ કોઈ સભ્ય હોવાની પ્રબળ શંકા હતી. મહિલા સાથે પરિવારમાં રહેતો મૃતક મહિલાનો ભત્રીજો અજય રાજુ ગોરખ લોખંડે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી અને ઘટનાના દિવસે તે કાકી સંગીતા સાથે જ હોવાથી એલસીબી, એસઓજી તેમજ કડોદરા પોલીસે કડકાઈ પૂર્વક પૂછપરછ કરતાં અજય ભાંગી પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, શુક્રવારે તે જમવા માટે બેસવાનો હોવાથી કાકી સંગીતાને કચરો વાળવા માટે કહ્યું જે બાબતે અજય અને કાકી સંગીતાં વચ્ચે સામાન્ય ઝઘડો થયો અને ઉશ્કેરાયને તેણે નજીક પડેલો દસ્તો કાકી સંગીતાના માથામાં મારી દીધો હતો. જે બાદ પોતાની પાસેના ચપ્પુ વડે કાકીને કમરના ભાગે ત્રણ ઘા મારી હત્યા કરી હતી જે બાદ તેણે લોહી વાળી ટી-શર્ટથી લોહી સાફ કરી રૂમમાં જ સંતાડી દીધી હતી અને ચપ્પુ ધોઇ પોતાની સાથે લઈ ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો અને હત્યાની જાણ પરિવારને થયા બાદ અજય ફરી ત્યાં ગયો અને સામાન્ય વર્તન કરવા લાગ્યો. અજય રીઢો ગુનેગાર હોવાથી પોલીસ પૂછપરછથી વાકેફ હોવાથી તે પોલીસને ગેર માર્ગે દોરતો રહ્યો હતો જોકે અંતે પોલીસની ગૂંચવણ ભરી પૂછપરછમાં અજય ગૂંચવાઈ જતા ગુનાની કબૂલાત કરી હતી.
ખૂની અજયનો ગુનાહિત ઇતિહાસ
પોલીસે અજયનો ગુનાહિત ઇતિહાસ તપાસતાં અજયની સુરત શહેરના ઉધના પોલીસ મથક વિસ્તારમાં 2015માં હત્યાના ગુનામાં સંડોવણી બહાર આવી હતી તેમજ 2014ના ઉધના પોલીસ મથક વિસ્તારમાં દારૂ હેરફેર અને સુરતના ખટોદરા પોલીસ મથકના કટ્ટો રાખવા બદલ આર્મ્સ એકટ હેઠળ ગુનો તો ગત વર્ષે 2021માં ઉધના પોલીસ મથકમાં મારામારી ધાકધમકી જેવા ગંભીર ગુના અજયના માથે હતા તો 2017માં અજયને પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો હતો