દેશના રાજકીય પક્ષોમાં સૌથી વધુ સંપત્તિ કોની પાસે? રાજકીય પક્ષોએ જાહેર કરેલી મિલકતો અને જવાબદારીઓનું એડીઆર દ્વારા રસપ્રદ વિશ્લેષણ

નવી દિલ્હી: નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ભાજપે રૂ. ૪૮૪૭.૭૮ કરોડની મિલકતો જાહેર કરી છે, જે તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધારે છે. તેના પછી બહુજન સમાજ પાર્ટી પાસે રૂ. ૬૯૮.૩૩ કરોડની અને કોંગ્રેસ પાસે રૂ. પ૮૮.૧૬ કરોડની મિલકતો છે એમ ચૂંટણી સુધારાઓ માટેના હિમાયતી જૂથ એડીઆરની માહિતી જણાવે છે.

એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) દ્વારા ૨૦૧૯-૨૦ના વર્ષ માટે રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોની મિલકતો અને જવાબદારીઓના તેણે કરેલા વિશ્લેષણના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિશ્લેષણ મુજબ સાત રાષ્ટ્રીય અને ૪૪ પ્રાદેશિક પક્ષોની જાહેર કરાયેલી કુલ મિલકતો આ નાણાકીય વર્ષમાં અનુક્રમે રૂ. ૬૯૮૮.પ૭ કરોડ અને રૂ. ૨૨૨૯.૩૮ કરોડ થાય છે.

સાત રાષ્ટ્રીય અને ૪૪ પ્રાદેશિક પક્ષો દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ. ૧૩૪.૯૩ કરોડની જવાબદારીઓ જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષોએ કુલ રૂ. ૭૪.૨૭ કરોડની જવાબદારીઓ જાહેર કરી છે જેમાં રૂ. ૪.૨૬ કરોડની તેમણે લીધેલા ધિરાણોની રકમનો સમાવેશ થાય છે. સૌથી વધુ જવાબદારી કોંગ્રેસે જાહેર કરી છે જે રૂ. ૪૯.પપ કરોડ છે. પ્રાદેશિક કક્ષાના પક્ષોએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ. ૬૦.૬૬ કરોડની કુલ જવાબદારીઓ જાહેર કરી છે.

રાજકીય પક્ષોની કુલ મિલકતોના ૬૯.૩૭ ટકા મિલકતો તો ભાજપ પાસે જ!
સાત રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી વધુ મિલકતો ભારતીય જનતા પક્ષ(ભાજપ) પાસે રૂ. ૪૮૪૭.૭૮ કરોડ છે જે રાજકીય પક્ષોની કુલ મિલકતોના ૬૯.૩૭ ટકા થાય છે. જેના પછી બહુજન સમાજ પાર્ટી(બસપા) દ્વારા રૂ. ૬૯૮.૩૩ કરોડ અથવા ૯.૯૯ ટકા મિલકતો જાહેર કરવામાં આવી છે. તેના પછી કોંગ્રેસ પાસે રૂ. પ૮૮.૧૬ કરોડ અથવા રૂ. ૮.૪૨ ટકા મિલકતો છે એમ ૨૦૧૯-૨૦ના આંકડાઓ જણાવે છે.

પ્રાદેશિક પક્ષોમાં સૌથી વધુ મિલકતો સમાજવાદી પાર્ટી(સપા) પાસે છે
પ્રાદેશિક કક્ષાના રાજકીય પક્ષોમાં સૌથી વધુ મિલકતો સપા દ્વારા રૂ. ૪૩૪.૨૧૯ કરોડ જાહેર કરવામાં આવી છે. તેના પછી તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ(ટીઆરએસ) દ્વારા રૂ. ૨પ૬.૦૧ કરોડની મિલકતો જાહેર કરવામાં આવી છે. આના પછી અન્ના દ્રમુક(રૂ. ૨૪૬.૯૦ કરોડ), ડીએમકે(રૂ. ૧૬૨.૪૨૫ કરોડ), શિવસેના(રૂ. ૧૪૮.૪૬ કરોડ), બીજેડી(રૂ. ૧૧૮.૪૨પ કરોડ) આવે છે.

Most Popular

To Top