સુરત : હજીરાની શિવશક્તિ નગર સોસાયટીના (Shiv Shaktinagar Society) બે પ્લોટ ઉપર મસ્જીદ બનાવી તેને વકફ કરી દેવાના પ્રકરણમાં ગત શુક્રવારે (Friday) નમાઝ માટે મોટું ટોળુ એકત્ર થઇ જતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. હિન્દુ સંગઠનો પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા જ્યારે મુસ્લિમ આગેવાનોને પણ જાણ થતા તેઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઇ હોય જે-તે સમયે મામલો શાંત પડ્યો હતો. આ મુદ્દે ગુજરાત મિત્રના અહેવાલ બાદ એક પછી એક હિન્દુ સંગઠનો આગળ આવીને વિરોધ નોંધાવી રહ્યાં છે ત્યારે આજે શુક્રવારની નમાઝ માટે ટોળુ એકત્ર થયું ન હતું. જે પ્લોટમાં મસ્જીદ બનાવી દેવામાં આવી છે તેમાં રહેતા લોકોએ જ આજે નમાઝ અદા કરી હતી.
હજીરાપટ્ટી પર મોરા ટેકરાની શિવશક્તિ નગર સોસાયટીમાં હિન્દુ વ્યક્તિના નામે બે પ્લોટ ખરીદાયા બાદ પ્લાન મુજબ હિન્દુએ તે પ્લોટ મુસ્લિમને વેચી દીધા હતા. ત્યાર બાદ આ બંને પ્લોટનું મહમ્મદીના નામે મસ્જિદ માટે વકફ બોર્ડમાં રજિસ્ટ્રેશન કરાવી દેવાયું હતું. ગત શુક્રવારે મોટી સંખ્યામાં લોકો નમાઝ પઢવા માટે સોસાયટીમાં એકત્ર થતા ત્યાં રહેતા સેંકડો હિન્દુ સોસાયટીવાસીઓએ રામધૂન શરૂ કરી દીધી હતી. ત્યારે આ ચકચારી મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો.
સ્થાનિકોના વિરોધને પગલે સ્થળ ઉપર હિન્દુ – મુસ્લિમ આગેવાનો પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસની હાજરીમાં કોરોનાની સ્થિતિને લઇ લોકો નમાઝ પઢવા માટે ટોળા ન વળે તે માટે મસ્જીદમાં રહેતા મૌલાના સહિત 7 થી 8 જણા જ નમાઝ પઢે તેવું લખાણ કરાવી સમાધાન કરી લેવાયું હતું. વિતેલા એક અઠવાડિયાથી આ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવીને કાયદાકીય રીતે આગળ લડત ચલાવવાનું નક્કી કરાયું છે ત્યારે એક્તા એજ લક્ષ્ય સંગઠન દ્વારા વકફ બોર્ડના ગેરબંધારણીય કાયદાને સરકાર દૂર નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
શિવશક્તિ નગર સોસાયટીના પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે, આજે બપોરે 1 થી 2ના સમયગાળામાં આજુ બાજુની કંપનીમાં કામ કરતા તેમજ બહારથી કેટલાક લોકો નમાઝ પઢવા માટે આવ્યા હતાં. જોકે પોલીસનો બંદોબસ્ત અને સોસાયટીના રહીશોએ કોરોનાના કેસ વધી રહ્યા હોય ટોળુ ભેગુ નહીં કરવાનું જણાવતા બહારથી આવેલા લોકો જતા રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાના કેસ ઓછા થશે ત્યારબાદ સોસાયટીની મિટીંગ મળશે તેમાં આગળ શું નિર્ણય લેવો તે નક્કી કરાશે.