ભરૂચ: શિયાળાની (Winter) ઠંડીમાં જાણે તસ્કરોને (Smugglers) મોકળું મેદાન મળી ગયું હોય તેમ સક્રિય બન્યા છે. હાલ કોરોનાને પગલે ચાલી રહેલા રાત્રિ કરફ્યૂનો પણ તેમને કોઇ ડર હોય તેમ લાગતું નથી. પહેલા ભરૂચ શહેરના પૂર્વ તરફ ઝાડેશ્વરના વિસ્તારોમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો. હવે મધ્ય ભરૂચની સોસાયટીમાં પણ ધાપ મારવા આવેલા 5 જેટલા તસ્કરોની ગતિવિધિ સોસાયટીના CCTVમાં કેદ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર લિંક રોડની સોસાયટીમાં તસ્કરોની ટોળકી ખાંખાખોળા કરતા સ્થાનિકોની નજરે ચડ્યા હતા. પહેલાં ભોલાવ અને ઝાડેશ્વરની સોસાયટીઓના રહીશોને તસ્કરોના પગલે રાત્રિ પહેરો ભરવાની પણ નોબત આવી હતી. હવે શહેરના લિંક રોડ ઉપર આવેલી આશુતોષ સોસાયટીમાં પણ પાંચ જેટલા તસ્કરો મધરાતે ચોરી કરવા ઘૂસ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. સોસાયટીનાં અલગ અલગ મકાનોમાં શંકાસ્પદ રીતે શોધખોળ કરતી આ તસ્કરોની ટોળકીને જોઈ કોઈ સ્થાનિક રહીશે જાગી ચોર આવ્યા હોવાની બૂમરાણ મચાવતાં લોકો જાગી જતાં તસ્કરો નાસી છૂટ્યા હતા. જો કે, તસ્કર ટોળકીની આશુતોષ સોસાયટીમાં તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ભરૂચ જિલ્લામાં વધુ ૧૪૮ કોરોના પોઝિટિવ, બેનાં મોત
સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીમાં શુક્રવારે ૧૪૮ કેસ નોંધાયા હતા. વાગરાને બાદ આઠ તાલુકામાં કોરોનાના કેસ નોંધાયા હતા. ૨૪ કલાકમાં સૌથી વધારે અંકલેશ્વર શહેર તાલુકામાં ૫૯ કેસ નોંધાયા છે. શુક્રવારે ૨ કોરોનાના દર્દીનાં મોત થયાં છે.
ભરૂચ જિલ્લામાં શુક્રવારે ૨૪ કલાકમાં ૧૪૮ કેસ નોંધાયા હતા. શુક્રવારે ૪૧૪ કેસ ડિસ્ચાર્જ કર્યા હતા. વાગરા તાલુકાને બાદ કરતાં ભરૂચ શહેર-તાલુકામાં ૫૫ કેસ, આમોદમાં ૨, અંકલેશ્વરમાં ૫૯ કેસ, જંબુસરમાં ૧૪, વાલિયામાં ૧, ઝઘડિયામાં ૧૨, નેત્રંગમાં ૩ અને હાંસોટમાં ૨ કેસ નોંધાયા હતા. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૪ અને શહેરી કક્ષાએ ૪૪ કેસ નોંધાતાં દિવસ ને દિવસે કોરોનામાં ઘટાડો નોંધાયો છે.