અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના નરોડા વિસ્તારમાં બુટલેગર દ્વારા શહેરના પોલીસકર્મીઓને (Police) જાહેર માર્ગો પર દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો (Video) વાયરલ થયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઘટનાની જાણ થતાં જ બુટલેગર સહિત 15 લોકો વિરુદ્ધ ગુનો (Complaint) દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ તથા અન્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ સાથે મળીને વોન્ટેડ બુટલેગર નરોડા મૂઠિયા ગામમાં હોવાની બાતમી મળતા ત્યાં પહોંચ્યા હતા. પોલીસને જોઈ આરોપીઓએ બૂમાબૂમ કરી આરોપી તથા તેમના ભાઈ અને પિતાએ તથા આસપાસના લોકોએ ભેગા મળીને ઘાતક હથિયારો તથા ડંડા વડે પોલીસ ઉપર તૂટી પડ્યા હતા. બુટલેગરોએ પોલીસકર્મીઓને જાહેર માર્ગ ઉપર દોડાવી દોડાવીને માર માર્યો હતો, એટલું જ નહીં પોલીસકર્મીઓ જાહેર માર્ગ ઉપર વાહન ઉપર બેસવા જતા હતા ત્યારે પણ તેમને માર માર્યો હોવાનો વીડિયો બહાર આવ્યો છે. આમ બુટલેગરોએ પોલીસ કર્મીઓને દોડાવી દોડાવીને માર માર્યો હતો. જેમાં પોલીસની આબરૂના લીરેલીરા ઉડયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તપાસ હાથ ધરતા બુટલેગર અનિલ સોલંકી, સંજય સોલંકી સહિત 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બુટલેગરને પકડવા નરોડાના પોલીસ કોન્સ્ટેબલ સાથે અન્ય પોલીસ સ્ટેશનના કોન્ટેબલો સાથે શા માટે ગયા હતા?
આ સમગ્ર ઘટના અંગે અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વોન્ટેડ બુટલેગરની ધરપકડ માટે ગયા એ વાત તો સાચી, પરંતુ અન્ય પોલીસ મથકના કોન્સ્ટેબલ શા માટે ત્યાં ગયા હતા ? તે એક મોટો સવાલ છે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે.