પ્રેમસંબંધનો કરૂણ અંજામ: વિધર્મી યુવક-યુવતીના મૃતદેહ તો મળ્યા, પરંતુ હકીકત શું?

અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના મોટા તળાવમાંથી રહસ્યમય સંજોગોમાં યુવક અને યુવતીના મૃતદેહ (Deadbody) મળી આવ્યા હતા. આ બંને વચ્ચે પાંગરેલો પ્રેમસંબંધ તેમના જીવનને મૃત્યુ સુધી લઇ ગયો હોવાનું લોકમોઢે ચર્ચાઈ રહ્યું છે. કોસમડી ગામનો પરિણીત યુવક અને માંગરોળ તાલુકાના બોઇદ્રા ગામની કુંવારી યુવતી તા.૨૪મી જાન્યુઆરીથી ગુમ હતાં અને આખરે તળાવમાંથી બંનેના હાથ બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતાં ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

  • કોસમાડીનો પરિણીત યુવક અને બોઇદ્રાની કુંવારી યુવતી વચ્ચેના પ્રેમસંબંધ હતો
  • યુવતી સાંજે છ વાગ્યાથી ઘરે નહીં આવતા પોલીસને જાણ કરાઈ, તપાસ કરતા યુવક પણ ગાયબ માલુમ પડ્યો

પોલીસ સૂત્રીય માહિતી મુજબ સુરત જિલ્લાના માંગરોળના બોઇદ્રા ગામે રહેતી ૧૯ વર્ષીય મહિમા વિજય ગોહિલ અંકલેશ્વરના કોસમડી ગામના ૩૬ વર્ષીય અબ્બાસ અલ્લારખા ખલીફાના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી. તા.૨૪મી જાન્યુઆરીના રોજ સાંજે છ વાગ્યાથી યુવતી પરત ઘરે ન આવતાં તેના પિતાએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી. જેની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી.

જીઆઇડીસી પોલીસે તપાસ કરતાં અબ્બાસ અલ્લારખા ખલીફા પણ ગુમ હોવાનું માલૂમ પડ્યું હતું. દરમિયાન તા.૨૬ મીના રોજ અંકલેશ્વરના બાકરોલ ગામે તળાવમાંથી બંનેના હાથ બંધાયેલી હાલતમાં મૃતદેહો મળી આવતાં ગ્રામજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી, અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડાયા હતા. આ બનાવ અંગે ગુનો નોંધી પોલીસે વિધર્મી યુવક અને યુવતીના મોત પાછળની હકીકત જાણવા માટે વધુ તપાસ શરૂ કરી હતી.

Most Popular

To Top