ધંધુકામાં યુવકને ગોળીમારી હત્યા કરાતા મચી તંગદિલી, હર્ષ સંધવીએ આપી ઝડપી ન્યાયની ખાતરી

અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા (Dhandhuka) ખાતે બે દિવસ પહેલા એક યુવકની મોટરસાઇકલ (Bike) પર આવેલા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે અરાજકતા અને તંગદિલીનો માહોલ છવાયો હતો. બીજી તરફ ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત વચ્ચે મૃતક યુવકની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. યુવકની હત્યાના વિરોધમાં આજે ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર શહેરમાં હાલમાં ભારે અંજાપાભરી પરિસ્થિતિ ફેલાયેલી છે. ગોળી મારીને યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી લેવા માટે જિલ્લાની પોલીસની સાત જેટલી ટીમો કામે લાગી છે અને હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ‘હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેઓને ઝડપથી ન્યાય મળશે. આ માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.’

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ધંધુકામાં બે દિવસ પહેલા મંગળવારે કિશન ભરવાડ નામના યુવક જઈ રહ્યો હતો, ત્યારે મોટરસાઇકલ પર આવેલા કેટલાક શખ્સોએ ગોળી મારી તેની હત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર ધંધુકામા ઘેરા પ્રત્યાઘાત સાથે ભારે તંગદિલી છવાઇ હતી. તંગદિલી ભરી પરિસ્થિતિ વચ્ચે પોલીસની સુરક્ષા સાથે યુવકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

બીજી તરફ આજે કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સમગ્ર સ્થિતિને કાબૂમાં રાખી હતી આ ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ થોડાક દિવસો પહેલા કિશન ભરવાડ નામના યુવકે સોશિયલ મીડિયામાં અન્ય સમાજની વિરોધમાં ટિપ્પણી કરતો વીડિયો વાયરલ કર્યો હતો. જેના પગલે જે સમાજ વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી તે સમાજના લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. જોકે નારાજ થયેલા સમાજના લોકો અને કિસાન ભરવાડ વચ્ચે સમાધાન થયું હતું અને આખરે કિશન ભરવાડ માફી માંગી હતી.

આ ઘટનાના 28 દિવસ બાદ એટલે કે બે દિવસ પહેલા ધંધુકામાં અજાણ્યા શખ્સોએ કિશનની ગોળી મારીને હત્યા કરી હતી. આથી આ હત્યા પાછળ સોશિયલ મીડિયા પર અન્ય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપીને શોધી કાઢવા માટે સાત જેટલી જુદી-જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત એટીએસની ટીમ દ્વારા પણ કેટલાક ઇનપુટ મેળવવામાં આવ્યા છે અને તે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તેમજ એસ.ઓ.જી ને આપવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ હત્યારાઓને શોધી ચક્રો ગતિમાન કર્યા છે અને ટુંક સમયમાં હત્યારાઓને ઝડપી લેવામાં આવશે તેવી પોલીસને આશા છે.


Most Popular

To Top