ગાંધીનગર: આવતીકાલે તા.૨૬મી જાન્યુ. પ્રજાસત્તાક દિવસની (Republicday) રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ ખાતે કોવિડ પ્રોટોકોલ મુજબ થશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા ધ્વજ વંદન કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાજ્યભરમાં થનાર ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં. આ ઉજવણી ઉત્કૃષ્ટ સેવા અને વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે થશે.
ધ્વજવંદન પૂર્વે સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમનાથ ખાતે આદિ જ્યોતિલિંગના દર્શન તથા પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવને પૂજા અભિષેક કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવ સમક્ષ ગુજરાતના લોકોની આરોગ્ય-સુખાકારી સમૃદ્ધિ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના યાચના કરી હતી. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવની સાંધ્ય આરતીનો લાભ લઇ ભગવાન ગણેશજીના પણ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવની શાસ્ત્રોકત પૂજા પણ કરી હતી. મુખ્યમંત્રીએ વીર શહીદ હમીરસિંહ ગોહિલના સ્મારક ખાતે પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ દર્શન વેળાએ મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના 3 સહિત ૧૭ પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા બદલ મેડલ અપાશે
આવતીકાલે તા.૨૬મી જાન્યુ. પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂર્વે રાષ્ટ્રપતિના મેડલની જાહેરાત કરાઈ છે. જેમાં બે પોલીસ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ-૧૭ પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા બદલ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરાઈ છે.
આઈપીએસ નરસિમ્હા કોમારને તથા બિન હથિયારી એએસઆઈ ભરતસિંહ વાઘેલાને વિશિષ્ટ સેવા અંગે પોલીસ મેડલ મળ્યું છે. જ્યારે પ્રશંસનિય સેવા માટે ૧૭ અધિકારીઓ પૈકી સુરતના નાયબ પોલીસ અધિકારી ડી.જે. ચાવડા, સુરતના એએસઆઈ પંકજભાઈ બી. પટેલ, એસએઆઈ વિજ ડોડીયાનો પણ સમાવેશ થાય છે.