ભારતીય ટીમના માજી કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી વામિકાની એકપણ ઝલક તેનું એક વર્ષ પુરૂ થવા છતાં અત્યાર સુધી જોવા મળી નહોતી પણ ત્રીજી વન ડે દરમિયાન જ્યારે વિરાટ કોહલીએ અર્ધસદી ફટકારી ત્યારે અનુષ્કા શર્મા પુત્રી વામિકા સાથે ટીવી સ્ક્રીન પર જોવા મળી હતી અને ચાહકોએ તાત્કાલિક તેનો ફોટો પાડી લઇને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર એ ફોટાઓ વાયરલ કરી દીધા હતા. વામિકાના ફોટાઓ સોશિયલ મીડિયા પર ફરતાં થયા પછી ફેન્સ દ્વારા તેને લગતા મિમ્સ પણ વાયરલ કરવામાં આવ્યા હતા.
વિરાટ અને અનુષ્કાએ મીડિયા ફોટોગ્રાફરોને વિનંતી કરી હતી કે તેમની પુત્રીની પ્રાઇવસીને જાળવજો અને એ મામલે અનુષ્કા મીડિયા ફોટોગ્રાફરોની સોશિયલ મીડિયા પર પ્રશંસા પણ કરી ચુકી છે. જો કે હવે ટીવી સ્ક્રીન પરથી ફોટો પાડવાની સાથે જ એક વીડિયો પણ વાયરલ કર્યો છે. કોહલીએ અર્ધસદી ફટકાર્યા પછી પોતાની પુત્રીને ઝુલાવતો હોય તેમ બેટ ઝુલાવીને એ અર્ધસદી તેને સમર્પિત કરી હતી.