સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રફેલ નડાલે રવિવારે અહીં એડ્રિયન મનારિનોને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં 14મી વાર પ્રવેશ કરી લીધો હતો. ચોથા રાઉન્ડની આ મેચ નડાલે 7-6, 6-2, 6-2થી જીત મેળવી હતી. પહેલા સેટના ટાઇબ્રેકમાં જીત મેળવવા માટે તેણે 28 મિનીટ અને 40 સેકન્ડ ઝઝુમવું પડ્યું હતું. આ દરમિયાન તેણે સાતમા સેટ પોઇન્ટ પર જીત મેળવી હતી. આ જીતની સાથે જ નડાલ હવે વિક્રમી 21માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ વિજયથી માત્ર માત્ર ત્રણ જીત દૂર રહ્યો છે.
આ સાથે જ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સર્વાધિકવાર પ્રવેશનારા ખેલાડીઓની યાદીમાં જ્હોન ન્યૂકોમ્બ સાથે સંયુક્ત રૂપે બીજા સ્થાને બેઠો છે. રોજર ફેડરર 15 વાર ક્વાર્ટર ફાઇનલ જીત સાથે પહેલા સ્થાને છે. આ ઉપરાંત નડાલે ઓવરઓલ ગ્રાન્ડસ્લેમમાં 45મી વાર અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું છે અને તે સર્વકાલીન યાદીમાં ફેડરર અને નોવાક જોકોવિચ પછી ત્રીજા સ્થાને છે. આ બંને અનુક્રમે 58 અને 51ના આંકડા સાથે પહેલા બે ક્રમે છે.
નડાલનો સામનો હવે ક્વાર્ટર ફાઇનલમાં ડેનિસ શાપોવાલોવ સાથે થશે શાપોવાલોવે ઓલિમ્પિક્સના ગોલ્ડ મેડલિસ્ટ એલેકઝાન્ડર ઝ્વેરેવને 6-3, 7-6, 6-3થી હરાવીને અંતિમ 8માં નામ લખાવ્યું હતું. મેટિયો બેરેટિનીએ પાબ્લો કરેનો બુસ્ટાને 7-5, 7-6, 6-4થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, હવે તેનો સામનો ગાએલ મોફિલ્સ સાથે થશે. જે મિઓમીર કેસ્મેનોવિકને 7-5, 7-6, 6-3થી હરાવી આગળ વધ્યો હતો.
એશ્લે બાર્ટી, બાર્બોરા ક્રેઝિકોવા અને મેડિસન કિઝ ક્વાર્ટર ફાઇનલમાં
ઓસ્ટ્રેલિય ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં નંબર વન એશ્લે બાર્ટી, ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બાર્બોરા ક્રેઝિકોવા અને યુએસ ઓપન ચેમ્પિયન મેડિસન કિઝે પોતપોતાની સિંગલ્સ મેચ જીતીને અંતિમ આઠમાં પ્રવેશ કરી લીધો હતો. બાર્ટીએ એમાન્ડા એનીસીમોવાને, જ્યારે ક્રેઝિકોવાએ વિક્ટોરિયા અઝારેન્કાને અને મેડિસન કિઝે પૌલા બાડોસાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્રેઝિકોવાએ અઝારેન્કાને 6-2, 6-2થી જ્યારે કિઝે બાડોસાને 6-3, 6-1થી હરાવી હતી, બાર્ટીએ એનીમિસોવાને 6-4, 6-3થી હરાવી હતી. હવે બાર્ટીનો સામનો જેસિકા પેગુલા સાથે થશે. જ્યારે ક્રેઝિકોવા અને કિઝ વચ્ચે અન્ય ક્વાર્ટર ફાઇનલ રમાશે.