કેપ્ટનશિપ છોડ્યા પછી માત્ર સચિન જ સુપરહિટ, બાકીના બધા ફ્લોપ

ભારતીય ટીમના કેપ્ટન તરીકે ક્રિકેટના (Cricket) ત્રણેય ફોર્મેટમાંથી વિદાય લેનારો વિરાટ કોહલી (Virat Kohli) હવે મહેન્દ્ર સિંહ ધોની પછી પહેલીવાર કોઇ અન્ય ખેલાડીની કેપ્ટનશિપ (Captaincy) હેઠળ ક્રિકેટ રમશે. વિરાટ કોહલી આ પહેલા છેલ્લે 2016માં ધોનીની કેપ્ટનશિપ હેઠળ રમ્યો હતો. જો કે ભારતીય ક્રિકેટના ઇતિહાસ પર નજર નાંખવામાં આવે તો ભારતીય ખેલાડીઓએ કેપ્ટનશિપ છોડી તે પછી એક ખેલાડી તરીકે ટીમમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવાનું તેમના માટે સરળ રહ્યું નથી. ભારતીય ક્રિકેટના સ્ટાર ખેલાડીઓ પર નજર નાંખવામાં આવે તો સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓ કેપ્ટનશિપ છોડ્યા પછી પોતાની બેટ વડે એવો કોઇ ચમત્કાર બતાવી શક્યા નહોતા. હાં તેમાં એકમાત્ર સચિન તેંદુલકર અપવાદ રહ્યો છે. સચિન તેંદુલકરે કેપ્ટનશિપ છોડી તે પછી તેની બેટમાંથી હજારો રન નીકળ્યા હતા અને તેણે ઘણી સદીઓ પણ ફટકારી હતી. જો કે તેના સિવાય અન્ય ખેલાડીઓ પોતાની બેટને એટલી બોલતી કરી શક્યા નહોતા.

ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટનોનો આ રેકોર્ડ જોતા ઘણાં એવું માને છે કે વિરાટ માટે પણ કેપ્ટનશિપ છોડ્યા પછી બેટ વડે પ્રદર્શન કરવું મુશ્કેલ રહેશે. જો કે વિરાટ કોહલીએ કેપ્ટનશિપ એટલા માટે જ છોડી છે કે તે બેટ વડે પોતાનું પ્રદર્શન સુધારી શકે. વિરાટ કોહલીએ છેલ્લા બે વર્ષમાં એકેય સદી ફટકારી નથી, તેણે જ્યારે ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી ત્યારે તેનુ કહેવું હતું કે વન ડે અને ટેસ્ટમાં બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે આ કેપ્ટનશિપ છોડી રહ્યો છે. જો કે તે પછી સંજોગો એવા સર્જાયા કે હવે તે વન ડે અને ટેસ્ટમાં પણ કેપ્ટન રહ્યો નથી. વન ડેની કેપ્ટનશિપ તેની પાસેથી લઇ લેવામાં આવી જ્યારે ટેસ્ટમાં તેણે સામેથી કેપ્ટનશિપ છોડી દીધી. હવે વિરાટ પર એવું કોઇ પ્રેશર નહીં હોય અને તે પોતાની બેટિંગ પર પુરતું ધ્યાન આપી શકશે. આ સ્થિતિમાં એવું કહી શકાય કે તેની બેટમાંથી હવે પહેલા જેવા રન નીકળશે.

વિરાટ કોહલીના ચાહકો એવી આશા રાખી રહ્યા છે કે વિરાટ કોહલીની બેટ હવે વધુ બોલકી બનશે અને ટૂંકમાં જ તેમાંથી એક મોટી ઇનિંગ નીકળી શકે છે. વિરાટને આમ પણ પડકારો પસંદ છે અને ઇતિહાસ બદલવાનું કૌવત તે ધરાવે છે. આ પહેલા વિરાટે ભારતીય ટીમ વિદેશમાં સીરિઝ ન જીતી શકે એવું મ્હેણું ભાંગી બતાવ્યું છે અને વિદેશ પ્રવાસમાં એક બેટ્સમેન તરીકે પણ પોતાનો રેકોર્ડ તેણે બહેતર બનાવ્યો છે. હવે વિરાટ ખુલીને રમતો થશે અને કેપ્ટનશિપનું પ્રેશર હટવાના કારણે તેની પાસે મોટી ઇનિંગની આશા રાખવામાં કંઇ ખોટું પણ નથી.

કેપ્ટનશિપ છોડ્યા પછી સચિને વન ડે અને ટેસ્ટ મળીને 54 સદી ફટકારી હતી
સચિન તેંદુલકર 1996 અને 1999માં બે વાર ભારતીય ટીમનો કેપ્ટન બન્યો હતો. જો કે કેપ્ટન તરીકે તે કંઇ ખાસ કરી શક્યો નહોતો. તે પછી કેપ્ટનપદ છોડીને એક બેટ્સમેન તરીકે રમ્યા પછી સચિને ઘણાં રેકોર્ડ બનાવ્યા હતા. કેપ્ટનશિપ છોડ્યા પછી સચિને વન ડેમાં 222 ઇનિંગ રમીને 48ની એવરેજથી 9657 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટમાંથી 25 સદી અને 51 અર્ધસદી નીકળી હતી અને વન ડે ઇતિહાસની પહેલી બેવડી સદી પણ તેણે જ ફટકારી હતી. જ્યારે ટેસ્ટમાં તેણે 208 ઇનિંગમાં 53ની એવરેજથી 9885 રન બનાવ્યા હતા. જેમાં 29 સદી અને 44 અર્ધસદીઓ સામેલ હતી. આમ કેપ્ટનશિપ છોડ્યા પછી સચિને વન ડે અને ટેસ્ટ મળીને કુલ 54 સદી ફટકારી હતી. જો રાહુલ દ્રવિડની વાત કરવામાં આવે તો તેણે કેપ્ટનશિપ છોડ્યા પછી ટેસ્ટમાં 95 ઇનિંગમાં 44ની એવરેજથી 3796 રન કર્યા હતા. જેમાં 12 સદી અને 15 અર્ધસદી સામેલ હતી, જ્યારે વન ડેમાં 15 ઇનિંગમાં તેણે 24ની એવરેજથી 355 રન બનાવ્યા હતા. જ્યારે ગાંગુલીએ કુલ 81 ઇનિંગમાં 4 સદી, અઝહરે કુલ 13 ઇનિંગમાં એક સદી ફટકારી હતી, જ્યારે ધોનીએ કુલ 42 ઇનિંગમાં એક પણ સદી ફટકારી નહોતી.

Most Popular

To Top