Gujarat

સરકાર ટૂંક સમયમાં 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે: વાઘાણી

ગાંધીનગર(Gandhinagar): સરકારી નોકરીમાં ભરતી (Recruitment) માટે દિવ્યાંગતાની ટકાવારી ૩ ટકાથી વધારી ૪ ટકા કરવામાં આવી છે. વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકની (Teacher) જગ્યાઓની ભરતી માટે તેને સંલગ્ન જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે ધો.૧થી ૫ માટે ૧૩૦૦ વિદ્યાસહાયક અને ધો.૬થી ૮ માટે ૨ હજાર વિદ્યાસહાયક મળી કુલ ૩૩૦૦ વિદ્યાસહાયકોની ભરતી ટૂંક સમયમાં કરવામા આવશે, તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Waghani) કહ્યું હતું.

  • કુલ ૩૩૦૦ વિદ્યાસહાયકોની ભરતી ટૂંક સમયમાં કરવામા આવશે
  • આગામી 10 દિવસની અંદર આ અંગેનું અધિકારીક નોટિફિકેશન આવે તેવી શક્યતા

સ્વર્ણિમ સંકુલ ખાતે વાઘાણીએ જણાવ્યું હતું કે, ધોરણ-1થી 5માં 1300થી વધારે વિદ્યા સહાયકો 6થી 8માં 2 હજાર વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ મોડું થવાનું કારણ વહીવટી ગૂંચ હોવાના કારણે મોડી પડી હતી. અમારી સરકારે આવતાની સાથે જ આ ભરતી ટૂંક સમયમાં આવશે. જેના કારણે ટેટનાં નવા પાસ થયેલા વિદ્યાર્થીઓ (Student) પણ આ ભરતીનો લાભ લઇ શકશે. કોર્ટના આદેશો અને કોર્ટના હુકમો ભૂતકાળમાં અલગ અલગ થતા રહે છે અને તેના કારણે અલગ અલગ વિભાગો દ્વારા આ આદેશોનું પાલન થાય છે. આગામી 10 દિવસની અંદર આ અંગેનું અધિકારીક નોટિફિકેશન આવે તેવી શક્યતા છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યના યુવાધનના હિતમાં શિક્ષણ વિભાગે આઠ સરકારી પોલિટેક્નિક ખાતે ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. વાઘાણીએ કહ્યું હતું કે, આ આઠ પોલિટેક્નિકમાં સરકારી પોલિટેક્નિક-વડનગર, ડો.જે.એન.મહેતા પોલિટેક્નિક-અમરેલી, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા)-મોરબી, એ.વી.પી.ટી.આઈ. રાજકોટ, સરકારી પોલિટેક્નિક-પાલનપુર ઉપરાંત કન્યાઓ માટેની સરકારી પોલિટેક્નિક સુરત, સરકારી પોલિટેક્નિક-ગાંધીનગર અને કન્યાઓ માટેની સરકારી પોલિટેક્નિક અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટેબ્લેટ વિતરણ અંગે વાઘાણી કહ્યું હતું કે, રાજ્યની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૨૦ હજારની કિંમતના ટેબલેટ માત્ર રૂ.૧ હજારના દરે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. તેના વિતરણમાં હાલ વિલંબ થયો છે. જો કે, ઇ.ક્યુ.ડી.સી. દ્વારા ટેબલેટની ગુણવત્તા અંગે જરૂરી ચકાસણી કરવામાં આવે છે. ચકાસણીમાં ટેક્નિકલ ખામી જણાઈ હતી. ટેબલેટમાં ખામી જણાતાં કંપનીને પરત મોકલવામાં આવ્યાં હતાં અને હવે ગુણવત્તાયુક્ત ૫૦ હજાર જેટલાં ટેબલેટનો જથ્થો ટૂંક સમયમાં મળશે. જે સત્વરે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

Most Popular

To Top