અલીગઢ(Aligarh): છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં જોવાઈ રહેલું અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું સપનું ઉત્તરપ્રદેશની (Uttar Pradesh) યોગી આદિત્યનાથની (Yogi Adityanath) સરકાર સાકાર કરવા જઈ રહી છે. દેશના નાગરિકોમાં મંદિરને લઈને અનોખો ઉત્સાહ (Enthusiasm) જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તેના માટે તાળું (Lock) પણ એ પ્રમાણે જ બનાવવામાં આવ્યું છે. અલીગઢમાં બનાવાયેલા આ તાળાનું વજન 400 કિલો છે. અત્યારે તેને અહીં ચાલી રહેલી રાજકીય ઔદ્યોગીક અને કૃષિ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે જ્યાં લોકો તેને જોવા આવી રહ્યા છે. લોકો 10 ફિટ ઊંચા આ તાળા સાથે સેલ્ફી લેતાં નજરે પડે છે. પ્રદર્શન થયા બાદ તાળાને અયોધ્યામાં રામ મંદિર પ્રશાસનને સોંપવામાં આવશે. મંદિર નિર્માણ માટે દેશના નાગરિકોએ પુષ્કળ પ્રમાણમાં દાન આપી સહાય કરી છે.
- અલીગઢમાં બનાવાયેલ તાળાનું વજન 400 કિલો, ચાવીનું જ વજન 40 કિલો
- તાળુ રાજકીય ઔદ્યોગીક અને કૃષિ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું
- બે ચાવી બનાવવામાં આવી જેની પાછળ લગભગ 2 લાખ રૂપિયાનો થયો ખર્ચ
અલીગઢના જ્વાલાપુરી નિવાસી સત્યપ્રકાશે પોતાના કારીગરો સાથે મળીને આ તાળું બનાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે તાળાની જાડાઈ 6 ઈંચ, ઊંચાઈ 10 ફીટ અને પહોળાઈ 6 ફીટ છે. તાળા માટે જે ચાવી તૈયાર કરાઈ છે તેનું વજન 40 કિલો છે. તેની બે ચાવી બનાવવામાં આવી છે. તેને તૈયાર કરવામાં લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.
સત્યપ્રકાશ ઈચ્છે છે કે તાળાને 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં થનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ કરવામાં આવે, આ માટે તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વિનંતી કરી છે. 65 વર્ષીય સત્યપ્રકાશ તાળાના જૂના વ્યવસાયી છે. તેમનો પરિવાર 100 વર્ષથી લોક બનાવવાનો વ્યવસાય કરે છે. તેઓનું માનવું છે કે આ તાળું અલીગઢની ઓળખ સમાન છે. આ પહેલાં તેમણે 300 કિલોનું તાળુ બનાવ્યું છે. સત્યપ્રકાશે જણાવ્યું હતું કે અયોધ્યા મોકલતાં પહેલાં તાળામાં કેટલાંક ફેરફાર કરવામાં આવશે. તેમજ આ તાળું વિશ્વનું સૌથી મોટું લોક બનાવીને ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ દર્જ કરવા પણ તેઓ પ્રયત્નશીલ છે.