બાળકોમાં કોરોનાના વધતા જતા કેસ સામે રક્ષણ મળે તે હેતુસર સોમવારથી બાળકોની રસીકરણની પ્રક્રિયા થરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો તમામ તાલુકાઓમાં 146 ટીમો દ્વારા કુલ 20950 કિશોરોનું રસીકરણ કરાયું હતું. જેમાં ચોર્યાસીમાં 1468, કામરેજમાં 2667, પલસાણામાં 3250, ઓલપાડમાં 3058, બારડોલીમાં 2349, માંડવીમાં 2429, માંગરોળમાં 2154, મહુવામાં 2534 અને ઉમરપાડા તાલુકામાં 1041 કિશોર મળી કુલ 20950 જેટલા કિશોરને પોતાની શાળામાં, ગામના પ્રાથમિક અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રસીકરણ કરાયું હતું.
ભરૂચ જિલ્લામાં 259 કેન્દ્ર ઉપરથી રસીકરણનો પ્રારંભ
ભરૂચ (Bharuch) જિલ્લામાં અંદાજિત ૩૦૧૦૪ કિશોરોને રસી (vaccine) આપવાનું આયોજન હાથ ધરાયું છે. 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોરોના (Corona) સામે વેક્સિનનું સુરક્ષા કવચ પ્રદાન કરવા સોમવારથી (Monday) 259 કેન્દ્ર પર રસીકરણનો આરંભ કરાયો હતો. શાળા, આઈ.ટી.આઈ., પીએચસી, સીએચસી સહિતનાં કેન્દ્રો ઉપર બપોરે 2 વાગ્યા સુધીમાં જ 10 હજાર બાળકોને કોરોના સામે સુરક્ષા પ્રદાન કરતી વેક્સિન લગાવી દેવામાં આવી હતી. એક પણ વિદ્યાર્થીને વેક્સિનને લઈ વિપરીત અસરનાં કોઈ લક્ષણો જોવા મળી આવ્યાં ન હતાં. જિલ્લામાં કુલ 90,000 વિધાર્થીને કોરોના સામે વેક્સિનેશનના ડોઝ આપવાનું આયોજન એક સપ્તાહની અંદર રાખવામાં આવ્યું છે. અંકલેશ્વર શહેર, નોટિફાઈડ તેમજ ગ્રામ્ય વિસ્તાર મળી ૨૬ સ્કૂલ અને ૭ આરોગ્ય કેન્દ્ર ઉપર રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બારડોલીમાં 2349 કિશોરને કોરોના વિરોધી રસી અપાઈ
સમગ્ર દેશમાં સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોના વિરોધી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. બારડોલીમાં પણ સોમવારે અલગ અલગ 16 કેન્દ્ર પર કિશોર વયના લોકોને વેક્સિન આપવામાં આવી હતી. પહેલા જ દિવસે બારડોલી તાલુકામાં 2349 કિશોરોને વેક્સિન આપવામાં આવી હતી.
વ્યારાની કે.કે.કદમ વિદ્યાલયમાં કોરોના રસીકરણની શરૂઆત
સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે તા.3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓને કોરોના રસીકરણના કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વ્યારાની કે.કે.કદમ કન્યા વિદ્યાલય ખાતે રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. રસીકરણ પહેલા ડોક્ટરો દ્વારા વિદ્યાર્થિનીઓને આ અંગેની સમજ ડોક્ટરો દ્વારા આપવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક કોરોના રસીકરણ કરાવ્યું હતું. આ સમયે વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવા ર.ફ.દાબુ કેળવણી મંડળના મંત્રી મહેશ શાહ, શાળાના આચાર્ય સંગીતા ચૌધરી તેમજ આરોગ્ય વિભાગના ડોક્ટરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
તાપી જિલ્લામાં ૧૫થી ૧૭ વય જૂથનાં બાળકોનો કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભ
રાજ્યમાં ૧૫થી ૧૮ વય જૂથનાં બાળકોને કોવિડ-૧૯ વેક્સિનેશનનો તાપી જિલ્લામાં કુલ-૧૫૨ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોવિડ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિને વાલીઓ અને બાળકોનો ભરપૂર સહકાર મળી રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ રસીકરણ સ્થળોની રૂબરૂ મુલાકાત લઇ બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લો સમગ્ર આદિવાસી પટ્ટામાં પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં પ્રથમ ક્રમે રહ્યો છે.
મોરદેવીની સાધના વિદ્યાલયમાં બાળકોને વેક્સિન મુકાઈ
સુરત જિલ્લા ગ્રામ વિકાસ મંડળ સંચાલિત સાધના વિદ્યાલય, મોરદેવીમાં સોમવારે ૧૫થી ૧૮ વર્ષના વય જૂથ માટેની ‘કોરોના વેક્સિનના પ્રથમ ડોઝ’ મૂકવામાં આવ્યો હતો. શાળામાં કુલ ૮૮માંથી ૮૫’ વિદ્યાર્થીએ રસી મુકાવી ૯૭ ટકા રસીકરણ કરાયું હતું.
હાંસોટ તાલુકામાં ૮૩૭ વિદ્યાર્થીને કોરોના વેક્સિન મૂકવામાં આવી
હાંસોટ તાલુકામાં સોમવારે 837 વિદ્યાર્થીઓને કોરોનાના વેક્સિન મૂકવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા 13 ટીમ બનાવી તાલુકાની શાળામાં જઇ 15થી 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓને કોરોના અંગેની કો-વેક્સિન રસી મૂકવામાં આવી હતી.