હિમાલય પર્વતમાળામાં આવેલા હિમશિખરો વૈશ્વિક તાપમાન વૃદ્ધિને કારણે અપવાદરૂપ ઝડપે પીગળી રહ્યા છે, જેને કારણે એશિયાના લાખો લોકો માટેના પાણી પુરવઠા માટે ભય સર્જાયો છે એમ હાલમાં પ્રગટ થયેલ એક અભ્યાસમાં જણાવાયું છે. આમ તો આ પ્રકારના અહેવાલો આ પહેલા પણ પ્રગટ થઇ ચુક્યા છે પરંતુ કેટલાક પીઢ નિષ્ણાતો દ્વારા વધુ મહેનતપૂર્વક કરવામાં આવેલ અભ્યાસ પછી તૈયાર કરવામાં આવેલ આ અહેવાલમાં કેટલીક નવી ચોંકાવનારી બાબતો છે અને તે ખાસ કરીને ભારતના લોકો માટે વધુ ચિંતા જન્માવે તેવી છે.
આ અહેવાલ જણાવે છે કે વિશ્વના અન્ય કોઇ પણ ભાગમાં હિમશિખરો સંકોચાઇ રહ્યા હોય તેના કરતા વધુ ઝડપે હિમાલયના આ હિમશિખરો સંકોચાઇ રહ્યા છે. ભારત માટે આ મોટી ચિંતાની બાબત છે. ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ખૂબ વધેલું ઔદ્યોગિકરણ, તેને પરિણામે વધેલું પ્રદૂષણ અને હિમાલયના વિસ્તારમાં પણ વિકાસના નામે પર્યાવરણ સાથે થયેલા ચેડાઓ આ માટે જવાબદાર હોઇ શકે છે. ચીન અને નેપાળ જેવા પાડોશી દેશોમાંથી થતું પ્રદૂષણ પણ આને માટે કંઇક અંશે જવાબદાર હોઇ શકે, પરંતુ ચીનનો ઔદ્યોગિક અને વસ્તીવાળો વિસ્તાર હિમાલય પર્વતમાળા કરતા ઘણો દૂર છે અને નેપાળમાં ઉદ્યોગો વધારે નથી, એટલે ભારતનું પ્રદૂષણ જ આ બાબતે કારણભૂત હોઇ શકે છે.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે હિમાલયના હિમશિખરોએ છેલ્લા કેટલાક દાયકામાં સરેરાશ કરતા દસ ગણી વધુ ઝડપે બરફ ગુમાવ્યો છે. આ સરેરાશ ૪૦૦-૭૦૦ વર્ષ અગાઉ છેલ્લું મોટું ગ્લેશિયર વિસ્તરણ થયું ત્યારપછીની સરેરાશ છે. ૪૦૦થી ૭૦૦ વર્ષ અગાઉનો સમયગાળો નાના હિમ યુગ તરીકે જાણીતો થયો છે અને ત્યારે હિમાલયના હિમશિખરોમાં વધારો નોંધાયો હતો. સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રગટ થયેલ અભ્યાસ એવું પણ દર્શાવે છે કે હિમાલિયન ગ્લેશિયરો વિશ્વના અન્ય ભાગોના ગ્લેશિયરો કરતા વધુ ઝડપે સંકોચાઇ રહ્યા છે.
યુકેની યુનિવર્સિટી ઓફ લિડ્સના સંશોધકોની આગેવાની હેઠળની એક ટીમે લઘુ હિમ યુગ દરમ્યાન ૧૪૭૯૮ હિમાલયન ગ્લેશિયરોની બરફની સપાટીઓના કદનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. તેમણે ગણતરી કરી છે કે ગ્લેશિયરોએ તેમનો ૪૦ ટકા જેટલો વિસ્તાર ગુમાવ્યો છે – અને આ ગ્લેશિયરો ૨૮૦૦૦ ચોરસ કિલોમીટર પરથી ઘટીને આજે લગભગ ૧૯૬૦૦ ચોરસ કિલોમીટર જેટલા થઇ ગયા છે. આ સમયગાળા દરમ્યાન તેમણે ૩૯૦ ઘન કિલોમીટરથી પ૮૬ ઘન કિલોમીટર જેટલો બરફ ગુમાવ્યો છે એમ સંશોધકો જણાવે છે. આ પીગળતા હિમશીખરોને કારણે જે પાણી છૂટ્યું છે તેના કારણે વિશ્વભરના સમુદ્રની સપાટીમાં ૦.૯૨ મીમીથી ૧.૩૮ મીમી વચ્ચેનો વધારો થયો છે એમ તેમણે જણાવ્યું છે.
અમારા તારણો સ્પષ્ટપણે સૂચવે છે કે હિમાલયના હિમશીખરો છેલ્લી કેટલીક સદીઓની સરેરાશ કરતા ઓછામાં ઓછી દસ ગણા વધુ દરે પીગળી રહ્યા છે એ મુજબ આ અભ્યાસના કોરસપોન્ડીંગ લેખક જોનાથન કેરિવિક જણાવે છે. આ ઝડપી બનેલો દર માત્ર છેલ્લા કેટલાક દાયકાઓમાં જ સર્જાયો છે, અને તે માનવ સર્જીત હવામાન પરિવર્તનની સાથો સાથ થઇ રહ્યું છે એમ તેમણે કહ્યું હતું. તેમની વાત બિલકુલ સાચી જણાય છે. આ હિમશિખરો આટલી ઝડપે પીગળવા અને પ્રદૂષણને પગલે થતી વૈશ્વિક તાપમાન વૃદ્ધિને સીધો સંબંધ હોઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હિમાલય પર્વતમાળામાં વિશ્વના ત્રીજા ક્રમનો સૌથી મોટો બરફનો જથ્થો છે, એન્ટાર્કટિકા અને આર્કટિકના દક્ષિણ અને ઉત્તર ધ્રુવના બરફના જથ્થા પછી સૌથી વધુ બરફનો જથ્થો હિમાલય પર્વતમાળામાં છે અને કેટલીક વખતે તેને ત્રીજા ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટીમે પોતાના સંશોધનો માટે સેટેલાઇટ ઇમેજો અને ડિજિટલ એલિવેશન મોડેલોનો પણ ઉપયોગ કર્યો હતો. તેમના આ અભ્યાસના તારણો આથી જ વધુ સચોટ જણાય છે. હિમાલયનો પીગળતો બરફ ભારતને જ સૌથી વધુ અસર કરી શકે છે અને લાંબે ગાળે તેના ભયંકર પરિણામો પણ ભોગવવાના આવી શકે છે. ભારતે આ હિમશીખરો પીગળવાની ઝડપ ઘટાડવા માટે શક્ય પગલાઓ ભરવા બનતી ઝડપે સક્રિય થવું જોઇએ.