Gujarat

રાજ્યમાં કચ્છ કોલ્ડ વેવની ઝપટમાં, નલિયા 6, ગાંધીનગરમાં 7 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં (Gujarat) હજુયે કોલ્ડ વેવની (Cold Wave) કાતિલ અસર જોવા મળી રહી છે. શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં બેઠા ઠાર સાથે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આગામી ત્રણ દિવસ દરમ્યાન ઠંડીનો પારો હજુયે વધુ 2થી 4 ડિગ્રી સુધી નીચે ગગડી જશે, તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે.

કચ્છ છેલ્લા એક સપ્તાહથી કોલ્ડ વેવની ઝપટમાં છે. ખાસ કરીને નલિયામાં સત ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે. આજે નલિયામાં રાજયની સૌથી વધુ 6 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. બીજી તરફ નલિયા પછી ગાંધીનગરમાં પણ 7 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ગાંધીનગરમાં દિવસે પણ શીત લહેરની અસર વર્તાતી હતી. વહેલી સવારે તથા રાત્રીના સમયે ગાંધીનગરમાં હાડ થીજાવતી ઠંડીની ઝપટમાં આવી જાય છે. રાત્રીના સમયે કડકડતી ઠંડીના કારણે શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક નહીંવત જોવા મળી રહયો છે. ઠંડીના આક્રમણ સામે શહેરી તથા ગ્રામીણજનો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે.

બનાસકાંઠા નજીક માઉન્ટ આબુ પર માઈનસમાં ઠંડીનો પારો જતો રહ્યો છે. જેના કારણે સહેલાણીઓ પણ રીતસરના ઠરી ગયા છે. અંબાજીમાં પણ કાતિલ ઠંડીની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર પણ કાતિલ ઠંડીની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 10 ડિ.સે., ગાંધીનગરમાં 7 ડિ.સે., ડીસામાં 10 ડિ.સે., વડોદરામાં 10 ડિ.સે., સુરતમાં 14 ડિ.સે., વલસાડમાં 14 ડિ.સે., ભૂજમાં 12 ડિ.સે., નલિયામાં 6 ડિ.સે., અમરેલીમાં 10 ડિ.સે., ભાવનગરમાં 11 ડિ.સે.,રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 11 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં થયેલી હીમ વર્ષાને કારણે ઉત્તર દિશાથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલી શીતલહેર વધુ ઘેરી બની રહી છે.

કોલ્ડવેવને કારણે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની સંભાવના જોવાઈ રહી છે. સુરતમાં વધેલી ઠંડીને કારણે સાંજ પડતાં જ રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. સોમવારે રાત્રે સુરતમાં પારો એટલો ઉતરી ગયો હતો કે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી થઈ ગયું હતું. દિવસના સમયે પણ લોકોએ ગરમ કપડા પહેરીને ફરવાની નોબત આવી છે. રાત્રે અનેક વિસ્તારોમાં તાપણાઓ કરાઈ રહ્યાં છે. નવસારીમાં છેલ્લા ઘણા સમયથી નવસારીમાં ધ્રુજાવનારી ઠંડી પડી રહી છે. આજે લઘુત્તમ તાપમાન સાડા ચાર ડિગ્રી ગગડતા કાતિલ ઠંડી પડી હતી

Most Popular

To Top