દેશમાં શિયાળો (Wenter) જામ્યો છે. ત્યાં મોટા ભાગના શહેરોમાં (City) શીતલહેર (Coldwave) આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આગાહી આગામી પાંચ દિવસો (Days) માટેની કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુરુવારના (Thursday) રોજ તેઓના ડેઈલી બુલેટિનમાં આ અંગેની માહિતી આપી હતી. ઉત્તર ભારત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કોલ્ડ વેવની સંભાવના છે. ઉત્તર રાજસ્થાનમાં 18 થી 21 ડિસેમ્બર સુધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 19 થી 21 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ અંગેની સંભાવના કરવામાં આવી છે.
પૂર્વ ભારત અને મહારાષ્ટ્રમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ગગડી શકે છે. આ સાથે પંજાબ અને હરિયાણામાં આગામી બે દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. 17 ડિસેમ્બરે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળશે તેવી પણ આગાહી થઈ છે. જમ્મુ કાશ્મીર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક વધી રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગએ આગાહી કરી છે કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં આગામી ત્રણ દિવસમાં હળવો વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં ગુરુવાર અથવા શુક્રવારે હિમવર્ષા થવાની સંભાવના છે.
કોલ્ડવેવની અસર ગુજરાતમાં પણ વર્તાશે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે સુરત શહેરમાં પણ ગુરુવારે મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી ઘટાડો નોંધાતા ઠંડી અનુભવાઈ હતી. દિવસભર ૮ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા શીતલહેર પ્રસરી હતી. જેનાં કારણે શહેરીજનોને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં ગરમ કપડા પહેરવાની ફરજ પડી હતી. ચાર દિવસમાં જ સુરતમાં તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત રહેવાની સાથે તાપમાનમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
દિલ્હીની વાત કરીએ તો ગુરુવારે સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જયારે મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. સવારે 8 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ 350 હતો એટલે કે ખૂબ જ નબળો હતો. ઉત્તર કાશ્મીરમાં શીતલહેર ઝડપી બની છે. ટૂરિસ્ટ પ્લેસ ગુલમર્ગમના સ્કીઈંગ રિસોર્ટમાં તાપમાનનો પારો -10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. શ્રીનગરમાં બુધવાર અને ગુરુવારની રાતે -2.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ અગાઉની રાત્રિના -3.9 ડિગ્રી સેલ્સિયસ કરતાં 1.8 ડિગ્રીનો ઘટાડો હતો, જે આ શિયાળાની સિઝનમાં નોંધાયેલું સૌથી ઠંડું તાપમાન હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં લઘુત્તમ તાપમાન -6.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.