કોરોના વાયરસના રોગચાળાના સમયમાં દુનિયાના ઘણા લોકશાહી દેશોએ પણ બિનલોકશાહી પગલાઓ ભર્યા છે અને સરમુખત્યારશાહી જેવું વલણ અપનાવ્યું છે એવી ફરિયાદો વ્યાપક છે અને આ ફરિયાદોને સમર્થન આપતો ઇન્ટરનેશનલ આઇડીયા નામની લોકશાહીની ખેવના કરતી એક સંસ્થાનો અહેવાલ હાલ થોડા સમય પહેલા આવ્યો હતો, જેની અહીં ચર્ચા થઇ જ છે. કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો પછી અનેક દેશોની સરકારે એવા પગલાઓ ભરવા માંડ્યા કે જે સામાન્ય નાગરિકોને ખૂબ હેરાન-પરેશાન કરનારા અને તેમની સ્વતંત્રતા પર તરાપ મારનારા હતા. રોગચાળાની ગતિ ધીમી પડ્યા બાદ આ નિયંત્રણકારી પગલાઓ થોડા હળવા પણ થયા, પરંતુ હવે છેલ્લા કેટલાક સમયથી અનેક દેશોમાં નિયંત્રણકારી પગલાઓ ફરી વધવા માંડ્યા છે.
ખાસ કરીને યુરોપના એવા પશ્ચિમી દેશોમાં છેલ્લા કેટલાક સમયથી ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોવિડના વધતા કેસો વચ્ચે ફરીથી લૉકડાઉન, રાત્રી કર્ફ્યુ જેવા નિયંત્રણો શરૂ થયા હતા, ત્યાં ઓમિક્રોન વેરિઅન્ટ આવી પહોંચ્યો અને તેણે આ નિયંત્રણોને વધુ સખત બનાવ્યા છે અને એટલું જ નહીં હવે વિશ્વભરના દેશો એક યા બીજા પ્રકારે નિયંત્રણો ફરી અમલમાં મૂકવા માંડ્યા છે અને દુનિયામાં લોકોને અકળાવનાર નિયંત્રણોનો દોર ફરી એક વાર શરૂ થઇ ગયો છે.
દુનિયાના વિવિધ દેશોએ કેવા નિયંત્રણકારી અને કડક પગલા લેવા માંડ્યા છે તેની વિગતો પણ રસપ્રદ છે. કેટલાક સમાચારો મુજબ ગ્રીસમાં જેઓ ૬૦ વર્ષ કરતા વધુ વયના હશે અને કોરોનાવાયરસની રસી લેવાનો ઇન્કાર કરશે તો તેમને તેમના પેન્શનના ચોથા ભાગ જેટલો દંડ થઇ શકે છે. દેશના રાજકારણીઓ કહે છે કે આ કડક નીતિથી તેમણે મતો ગુમાવવા પડશે પરંતુ તેનાથી જીંદગીઓ બચી શકશે! ઇઝરાયેલમાં નવા ઓમિક્રોન વેરિઅન્ટના વાહકો પર દેશની ડોમેસ્ટિક સિક્યુરિટી એજન્સી નજર રાખી શકશે અને આ દેખીતી રીતે ત્યાંની સુપ્રીમ કોર્ટના એક રૂલિંગની અવગણના કરીને કરવામાં આવી રહ્યું છે. નેધરલેન્ડમાં સાંજના પ વાગ્યાથી લૉકડાઉન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે અને તેની સામેના વિરોધ પ્રદર્શનો હિંસક પણ બન્યા છે, જો કે એ પણ હકીકત છે કે આ નિયમોને વ્યાપક સ્વીકૃતિ પણ મળી છે. નેધરલેન્ડમાં કડક રાત્રી કર્ફ્યુ અમલમાં મૂકાઇ ગયો છે અને આની સામેના વિરોધ પ્રદર્શનોને વિખેરવા પોલીસે બળપ્રયોગ પણ કર્યો છે.
ગ્રીસમાં ૬૦ વર્ષથી વધુ વયના ૧૭ ટકા જેટલા લોકો એવા છે કે જેમણે અનેક પ્રયાસો છતાં રસી લીધી નથી અને તેથી તેમને દંડ કરવાનો નિયમ અમલી બની રહ્યો છે. ઇઝરાયેલની સરકારે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે એક વિવાદાસ્પદ ફોન મોનિટરિંગ ટેકનોલોજીના ઉપયોગને ગયા સપ્તાહે મંજૂરી આપી દીધી છે. ઇઝરોયલના માનવ અધિકાર જૂથો આને અંગતતાના અધિકારનો ભંગ ગણાવી રહ્યા છે. ત્યાંની સુપ્રીમ કોર્ટે પણ આ વર્ષની શરૂઆતમાં આ ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરવા માટે રૂલિંગ આપ્યું હતું. અમેરિકી સરકાર જો કે લૉકડાઉન જેવા કડક નિયંત્રણો ફરીથી અમલમાં તો નથી મૂકી રહી પરંતુ ત્યાં પણ જે કર્મચારીઓએ વેક્સિન નહીં મૂકાવી હોય તેમનું ફરજિયાત નિયમિત ટેસ્ટિંગ જેવા નિયમો તો અમલી બની રહ્યા છે.
ચીનમાં તો થોડા નવા કેસો દેખાય કે આખા શહેરો સીલ કરી દેવામાં આવી રહ્યા છે અને લોકોનું સામૂહિક ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. લોકશાહી દેશો જ્યારે નાગરિકોની સ્વતંત્રતા પર વ્યાપક તરાપ મારતા પગલાંઓ ભરી રહ્યા છે ત્યારે લશ્કરી શાસન કે સરમુખત્યારશાહી ધરાવતા દેશો તો બેરોકટોક અને વધુ સખત રીતે આવા પગલાઓ અમલમાં મૂકી રહ્યા છે.
લૉકડાઉન, મર્યાદિત કલાકોનો કરફ્યુ, ફરજિયાત માસ્ક જેવા અનેક પગલાઓ કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયા બાદ વિશ્વના મોટા ભાગના દેશોમાં એક યા બીજા તબક્કે અમલમાં મૂકાયા છે. પ્રજા હિત માટે અમુક હદે આવા નિયંત્રક પગલાઓ જરૂરી પણ છે પરંતુ અવિચારી રીતે અને આત્યંતિક ઢબે આવા પગલાઓ ભરવામાં આવે તે ચિંતાજનક બાબત છે. કેટલીક વખતે આવા પગલાઓમાં રોગ કરતા ઉપચાર વધુ ઘાતક નીવડે તેવી સ્થિતિ ઉભી થાય છે.
વળી, પોલીસ તંત્ર જેવા કાયદા અમલીકરણ તંત્રોના કર્મચારીઓએ તો આવા નિયંત્રણોનો અમલ કરાવવામાં સામાન્ય પ્રજાજનો પર અત્યાચારી પગલાઓ ભર્યા હોય તેવા અનેક બનાવો વિશ્વના વિવિધ દેશોમાં બન્યા છે તે તો વળી એક જુદી જ ચર્ચાની બાબત છે. રસીકરણ એ પણ એક વિવાદનો વિષય રહ્યો છે અને વિશ્વના ઘણા દેશોમાં રસીકરણને આડકતરી રીતે ફરજિયાત જેવું જ બનાવવામાં આવી રહ્યું છે. હવે ઓમિક્રોન વેરિઅન્ટના કેસો વધવાની સાથે વિશ્વભરમાં બિનલોકપ્રિય નિયંત્રક પગલાઓનું પ્રમાણ વધતું જશે તે નક્કી છે.