પાકિસ્તાનની સંસદે ગયા બુધવારે એક ખરડો પસાર કર્યો જેમાં બળાત્કારમાં અનેક વખત દોષિત ઠરેલા લોકોને નપુંસક બનાવી દેવાની જોગવાઇ હતી. આ ખરડો તાજેતરમાં દેશમાં મહિલાઓ અને બાળકો પર બળાત્કારના ગુનાઓમાં આવેલા ઉછાળા પછી પ્રજામાંથી ઉઠેલા વ્યાપક રોષના અવાજ પછી અને આવા ગુનાઓ અરસકારક રીતે રોકવાની વધતી માગ વચ્ચે આવ્યો હતો. ધ ક્રિમિનલ લૉ(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૧ સંસદના બંને ગૃહોની એક સંયુક્ત બેઠક દરમ્યાન અન્ય ૩૩ ખરડાઓની સાથે પસાર થયો હતો. તેમાં પાકિસ્તાન પીનલ કોડ, ૧૮૬૦ અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, ૧૮૯૮માં સુધારો કરવાની જોગવાઇ હતી.
આ ખરડો પસાર થવાની સાથે ભારત સહિતના અન્ય દેશોમાં પણ આવો કાયદો લાવવાની માગ ઉઠશે એમ લાગતું હતું, કારણ કે ઘણા દેશો બળાત્કારોની સમસ્યાથી પરેશાન છે. પરંતુ સહુના આશ્ચર્ય વચ્ચે બે જ દિવસમાં, એટલે કે શુક્રવાર, ૧૯ નવેમ્બરે તો પાકિસ્તાન સરકારે બળાત્કાર અંગેના નવા કાયદામાંથી વારંવારના બળાત્કારીને નપુંસક બનાવી દેવાની સજા આપવાની જોગવાઇ ધરાવતી કલમ પડતી મૂકી. આ માટે એવું કારણ આપવામાં આવ્યું કે કાઉન્સિલ ફોર ઇસ્લામીક આઇડીયોલોજી (સીઆઇઆઇ) દ્વારા આ જોગવાઇને બિન-ઇસ્લામી ગણાવીને તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
આ સીઆઇઆઇ એ પાકિસ્તાનની એક બંધારણીય સંસ્થા છે અને તે પાકિસ્તાનની સરકાર અને સંસદને ઇસ્લામી મુદ્દાઓમાં કાનૂની સલાહ આપે છે. ઇસ્લામી વિચારધારાના અભ્યાસીઓનું કહેવું એમ છે કે બળાત્કારીને દેહાંતદંડ આપી દેવો જોઇએ, પણ તેને નપુંસક બનાવીને જીવતો રાખવાનું યોગ્ય નથી. આ રીતે ખસી કરી નખાયેલો માણસ ક્યારેક અકળાઇને હત્યા જેવા ગુનાઓ કરવા પ્રેરાઇ શકે છે.
અગાઉ પણ આવી જોગવાઇની ચર્ચાઓ વિશ્વમાં થઇ ચુકી છે અને અધિકારવાદીઓ આવી સજાનો વિરોધ કરતા આવ્યા છે. પાકિસ્તાનની સંસદમાં પણ જ્યારે આ ખરડો રજૂ થયો ત્યારે એક સાંસદે જુદા એન્ગલથી આ ખરડાનો વિરોધ કર્યો હતો. જમાતે ઇસ્લામીના એક સેનેટરે આ ખરડા સામે વિરોધ કર્યો હતો અને તેને ગેર-ઇસ્લામી અને શરિયત વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમણે ક્હ્યું હતું કે બળાત્કારીને જાહેરમાં ફાંસી આપી દેવી જોઇએ, પણ આ રીતે નપુંસક બનાવી દેવાની સજાનો કોઇ ઉલ્લેખ શરિયતમાં નથી. આ ધાર્મિક પક્ષના સાંસદે ધર્મની રીતે આ કાયદાનો વિરોધ કર્યો પણ બીજી અનેક રીતે આવી જોગવાઇનો વિરોધ થાય છે.
કેટલાક કહે છે કે પાછળથી જો બળાત્કારી નિર્દોષ સાબિત થાય તો શું? આ સજા પામેલ વ્યક્તિને પોતાને જ નહીં, તેની પત્નીને પણ આમાં વિનાકારણે સજા મળતી હોય તેવું કેટલાકને લાગે છે કારણ કે આ સજા પામેલો પુરુષ ભવિષ્યમાં ક્યારેય પોતાની પત્ની સાથે પણ શરીર સંબંધ બાંધી શકવાની સ્થિતિમાં રહેતો નથી. રાસાયણિક ખસીકરણમાં અમુક દવાઓનો ઉપયોગ કરીને જાતીયતા નષ્ટ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ પુરુષ જીવનમાં ક્યારેય જાતીય સંબંધ બાંધવા સક્ષમ રહેતો નથી. જે રીતે મોતની સજા સામે માનવ અધિકારવાદીઓ વિરોધ કરે છે તે રીતે તેઓ આ સજા સામે પણ વિરોધ કરે છે, તો બીજી બાજુ આવી સજાના સમર્થનમાં એક ઘણો મોટો વર્ગ છે. સામાન્ય લોકો ઉંડુ વિચાર્યા વિના આવી સજાઓનું વાચાળપણે સમર્થન કરતા હોય છે પરંતુ કોઇ પણ કાયદો ઘડતા પહેલા અનેક મુદ્દાઓ ગંભીરતાપૂર્વક વિચારવાના રહે છે.
વારંવારના બળાત્કારીને નપુંસક બનાવી દેવાની સજા હાલમાં દક્ષિણ કોરિયા, પોલેન્ડ, ઝેક રિપબ્લિક જેવા દેશો અને અમેરિકાના કેટલાક રાજ્યોમાં અમલી છે અને ત્યાં પણ આ સજાની તરફેણમાં અને વિરોધમાં સૂરો ઉઠતા રહે છે. જે રીતે દેહાંતદંડની તરફેણમાં અને વિરોધમાં લાંબા સમયથી અવાજો ઉઠતા રહ્યા છે તેવું જ આ ખસીકરણની સજાની બાબતમાં છે. કોઇને સખત સજાઓ કરવી પડે તે સ્થિતિ જ ખરેખર તો દુ:ખદ છે પરંતુ આવી સ્થિતિઓ આ દુનિયામાં વારંવાર સર્જાતી રહે છે તે પણ એક કઠોર વાસ્તવિકતા છે. માણસોને નાની, મોટી સજાઓ કરવી પડે, જેલમાં રાખવા પડે આ બધી સ્થિતિઓ દુ:ખદ છે. બિલકુલ સૌમ્ય અને મહદઅંશે ગુનામુક્ત સમાજનું દૂરના ભવિષ્યમાં નિર્માણ થશે એવી કલ્પના હોલીવુડની એક ફિલ્મમાં કરવામાં આવી હતી.
પરંતુ હાલ તો દૂર દૂર સુધી આવી સ્થિતિ શક્ય બને તેવા સંકેતો જણાતા નથી. ભારત સહિત દુનિયાભરના અનેક દેશોની જેલો ઉભરાય છે, જેલોની ક્ષમતા કરતા અનેકગણા કેદીઓ તેમાં ઠાંસવા પડે છે. કેટલાક લેટિન અમેરિકન દેશોની જેલોમાં તો કેદીઓ વચ્ચે હિંસક અથડામણ પણ ફાટી નિકળતી હોય છે અને તેમાં અનેક કેદીઓના જીવ પણ જતા હોય છે. બિલકુલ અપરાધમુક્ત, જેેલોથી મુક્ત અને સજાઓથી મુક્ત માનવ સમાજનું નિર્માણ નજીકના ભવિષ્યમા થાય તેવા તો કોઇ ચિન્હો હાલમાં દેખાતા નથી, ત્યારે વિવિધ સજાઓની યથાયોગ્યતા અંગેની ચર્ચાઓ માનવ સમાજે ચાલુ જ રાખવી પડશે.