દર વર્ષે દિવાળીના તહેવારો પુરા થાય અને શિયાળો શરૂ થાય કે દિલ્હીમાં હવાના પ્રદૂષણનો કકળાટ શરૂ થઇ જાય છે. આવું છેલ્લા અનેક વર્ષથી બની રહ્યું છે. દિલ્હી દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં તો ક્યારનું સમાવિષ્ટ થઇ ગયું છે અને દર શિયાળામાં અહીં હવાના પ્રદૂષણની મોકાણ સર્જાય છે. પરંતુ આ વખતે દિલ્હીમાં હવાની ગુણવત્તા હદબહાર બગડી હોવાનું જણાય છે. પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે તો સ્થિતિ કટોકટીના સ્તરે જવાની ચેતવણી આપી છે અને લોકોને હાલમાં કામ વગર ઘરની બહાર નહીં નિકળવાની પણ સલાહ આપવામાં આવી છે. બીજી બાજુ, સોમવારથી દિલ્હી સરકારે એક સપ્તાહ માટે તમામ શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે, અને સરકારી અધિકારીઓ ઘરેથી જ કામ કરશે એમ જણાવવાની સાથે ખાનગી કચેરીઓને પણ વર્ક ફ્રોમ હોમની સલાહ આપી છે.
આ બાબત જ સૂચવે છે કે સ્થિતિ કેટલી હદે બગડી છે. શુક્રવારે લોકોને ઘરોમાં રહેવાની સલાહ જારી કરાયા બાદ રવિવારે સ્થિતિ થોડી સુધરી પણ સોમવારે દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા ફરીથી ખૂબ બગડી. આગામી ત્રણ દિવસ સુધી તેમાં સુધારો થાય તેવી કોઇ શક્યતા જણાતી નથી એમ સત્તાવાળાઓએ સોમવારે જણાવ્યું હતું. સોમવારે સાંજે ૪ વાગ્યે દિલ્હીની હવાની ગુણવત્તાના ઇન્ડેક્સની ૨૪ કલાકની શરૂઆત ૩૫૩ પર હતી. શનિવારે આ સરેરાશ ૪૩૭ પર હતી, જે રવિવારે ૩૩૦ થઇ હતી. સોમવારે સાંજે એનસીઆરના ગાઝીયાબાદમાં આ ઇન્ડેક્સ ૩૩૫, ગુડગાંવમાં ૩૩૨ હતો. બૃહદ દિલ્હી જ નહીં, પણ દિલ્હીની આજુબાજુના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ હવાનું પ્રદૂષણ ખૂબ વધ્યું છે તે આના પરથી સમજી શકાય છે.
દિલ્હીમાં હવાનું પ્રદૂષણ આટલી હદે વકરવાના અનેક કારણો છે અને તેમાં સૌથી અગત્યનું કારણ દિલ્હીની વસ્તીમાં અને વાહનોની સંખ્યામાં જંગી વધારો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં દિલ્હીની વસ્તી પ્રચંડ રીતે વધી છે અને દિલ્હીની વસ્તી ગીચતા પણ ખૂબ વધી છે. દિલ્હીની હદો ઘણી ફેલાઇ છે છતાં દિલ્હીની વસ્તી ગીચતા તો ખૂબ વધી જ છે. દિલ્હીની કુલ વસ્તી બે કરોડને વટાવી ગઇ છે અને મુંબઇ અને કલકત્તા તો ક્યાંય પાછળ રહી ગયા છે. દિલ્હીમાં વાહનોની સંખ્યા ખૂબ વધી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ જેવા રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં ગરીબ લોકો દિલ્હીમાં રોજગારી માટે ઠલવાતા ગયા અને દિલ્હીની વસ્તી ફાટ ફાટ થતી ગઇ. બૃહદ દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં ઉદ્યોગો વ્યાપક રીતે વધ્યા છે. વાહનો અને ઉદ્યોગોને કારણે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ હદબહાર વકર્યું છે.
ઔદ્યોગિક રસાયણોને કારણે યમુના નદીમાં આ વખતે જેવા ફીણ જામ્યા તે તો અભૂતપૂર્વ છે પણ તે એક બીજી જ ચર્ચાનો વિષય છે. હવાના પ્રદૂષણની વાત કરીએ તો દિલ્હીમાં અને ઉત્તર ભારતના કેટલાક મોટા શહેરોમાં કેટલાક આગવા પરિબળો પણ છે. દર વર્ષે શિયાળામાં અહીં વકરતા વાયુ પ્રદૂષણ માટે મહત્વનું કારણે અહીં જામતું ધુમ્મસ પણ છે. ધુમ્મસની સાથે ધુમાડો ભળે છે, જેને સ્મોગ કહેવામાં આવે છે અને તેને કારણે અહીં હવા ખૂબ પ્રદૂષિત થઇ જાય છે. ધુમ્મસને કારણે ધુમાડો વાતાવરણમાં ઉંચે સુધી જઇ શકતો નથી અને લોકોએ પરાણે ભારે પ્રદૂષિત હવા શ્વાસમાં લેવી પડે છે. પંજાબ, હરિયાણા જેવા દિલ્હીની નજીકના ખેતીપ્રધાન રાજ્યોમાં શિયાળાની શરૂઆતમાં પરાળ બાળવામાં આવે છે અને તેને કારણે જે ધુમાડો ઉઠે છે તે પણ અહીં વાયુ પ્રદૂષણને વકરાવે છે. જો કે દિલ્હીના પ્રદૂષણમાં આ પરાળના ધુમાડાનો ફાળો દસ ટકા કરતા પણ ઓછો છે એમ આંકડાઓ જણાવે છે.
ખેડૂતો પરાળ બાળે છે તે બાબતે કોઇ પણ વૈજ્ઞાનિક કે વાસ્તવિક આધાર વિના કાગારોળ મચાવવામાં આવી રહી છે એમકહેતા સુપ્રીમ કોર્ટે આજે એ બાબતની નોંધ લીધી હતી કે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણમાં પરાળના ધુમાડાનો ફાળો દસ ટકા કરતા પણ ઓછો છે. દિલ્હીના પ્રદૂષણની બાબતમાં સુપ્રીમ કોર્ટે પણ દરમ્યાનગીરી કરી છે અને તેણે બાંધકામ, ઉદ્યોગ, પરિવહન, વિજળી ઉત્પાદન અને વાહનોનો ટ્રાફિક એ પ્રદૂષણ સર્જવાની બાબતમાં મોટા દોષિતો છે એ બાબત તરફ નિર્દેશ કરત કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે બિન આવશ્યક પ્રવૃતિઓ અટકાવવા તથા વર્ક ફ્રોમ હોમ લાગુ પાડવા જેવા પગલાઓ ભરવામાં આવે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે મંગળવારે એક તાકીદની બેઠક બોલાવવામાં આવે અને બિનજરૂરી બાંધકામ, પરિવહન, પાવર પ્લાન્ટો વગેરે બંધ કરાવવા વગેરેની ચર્ચા કરવામાં આવે.
દિલ્હીના હદબહારના વાયુ પ્રદૂષણની સ્થિતિ ખરેખર જ ચિંતાજનક હદે પહોંચી ગઇ છે. દર શિયાળામાં હવે અહીં સ્થિતિ ખૂબ બગડે છે અને જો તાકીદના પગલાઓ નહીં ભરવામાં આવે તો આગામી વર્ષોમાં શિયાળામાં અહીં વાયુ પ્રદૂષણથી લોકોના ટપોટપ મોત થાય તેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે. હવે કોઇ મોટા પગલાં જ દિલ્હીને વાયુ પ્રદૂષણની હોનારતમાંથી બચાવી શકે છે. દિલ્હી સરકાર અને તેની આજુબાજુના રાજ્યોની સરકારો અને કેન્દ્ર સરકાર દોષનો ટોપલો એકબીજા પર ઢોળવાનો પ્રયાસ કરે તેના કારણે સામાન્ય પ્રજાને સહન કરવાનું આવે છે. દિલ્હી અને ઉત્તર ભારતના બીજા કેટલાક શહેરોમાં ખાસ કરીને શિયાળામાં સર્જાતી સખત હવાના પ્રદૂષણની સમસ્યા બાબતે મક્કમ પગલાઓ લેવાનો સમય આવી ગયો છે.