કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે 97 તેજ ફાઈટર જેટના નિર્માણનો મોટો ઓર્ડર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આપ્યો છે. કંપની સાથે રૂપિયા 62,370 કરોડનો મોટો સોદો થયો છે.
આ બીજી વખત છે જ્યારે HALને તેજસનો મોટો ઓર્ડર મળ્યો છે. ફેબ્રુઆરી 2021માં કેન્દ્ર સરકારે રૂ.46,898 કરોડના સોદા હેઠળ 83 Mark-1A ફાઇટર જેટ્સનો ઓર્ડર આપ્યો હતો. જેની ડિલિવરી 2028 સુધી પૂરી થવાની છે. હવે નવા 97 વિમાનોના ઓર્ડર સાથે HALની ઉત્પાદન ક્ષમતા વધશે અને વાયુસેનાને વધુ ઝડપથી આધુનિક વિમાનો મળશે.
તેજસ Mark-1A: સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ
Mark-1A તેજસ વિમાનનું એક અદ્યતન સંસ્કરણ છે. જેમાં અપગ્રેડેડ એવિઓનિક્સ અને અદ્યતન રડાર સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.
આ ફાઇટર જેટમાં ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, આધુનિક કોકપિટ અને ઝડપી હથિયાર તૈનાત કરવાની ક્ષમતા છે. તેજસ Mark-1Aના 65% થી વધુ ઘટકો ભારતમાં બનાવવામાં આવશે. જે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેજસનું પહેલાનું સંસ્કરણ પણ HAL દ્વારા જ વિકસાવવામાં આવ્યું હતું.
તેજસ એક સિંગલ-એન્જિન લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે. જેને હળવુંઅને ઝડપી બનાવવામાં આવ્યું છે. તેના આધુનિક ડિઝાઇનને કારણે તે દુશ્મનના રાડારથી બચી શકે છે અને એકસાથે વિવિધ પ્રકારના મિશનમાં ભાગ લઈ શકે છે.
MiG-21થી તેજસ સુધીનો સફર
MiG-21ને ભારતીય વાયુસેનામાં “ટાઈમ-ટેસ્ટેડ વર્કહોર્સ” કહેવાય છે. તેણે 1971ના યુદ્ધ, કારગિલ સંઘર્ષ અને અનેક મહત્વપૂર્ણ ઓપરેશન્સમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠ્યા હતા અને અનેક અકસ્માતો પછી તેને નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો છે
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલો આ સોદો ભારતીય રક્ષણ ઉદ્યોગ માટે ઐતિહાસિક પગલું અને આત્મનિર્ભર ભારત માટે મોટું ગૌરવ છે.