Gujarat

કચ્છના ૯૧૦ તળાવો મહેસૂલી રેકર્ડમાં, ૫૬૦૦ એકર જમીનને મળ્યો સત્તાવાર દરજ્જો, જળસંચય–સંરક્ષણને મળ્યો કાયદેસર આધાર

ગાંધીનગર,તા.9
કચ્છ જેવા અર્ધશુષ્ક અને પાણીની તીવ્ર અછત ધરાવતા જિલ્લામાં જળસંચય માટે ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છ જિલ્લાના ૨૮૧ ગામોમાં આવેલા કુલ ૯૧૦ તળાવો અને વોટરબોડીને સત્તાવાર મહેસૂલી રેકર્ડ પર લાવી તેમને કાયદેસર દરજ્જો અપાયો છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં મહેસૂલી તંત્ર દ્વારા આ ઝુંબેશરૂપ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

પીવાનું પાણી, ખેતી અને પશુપાલન માટે તળાવો અત્યંત મહત્વપૂર્ણ હોવા છતાં ઘણા તળાવો આજદિન સુધી ચોક્કસ રેવન્યૂ ઓળખ વગર અસ્તિત્વમાં હતા. જેના કારણે જળસંચય, સંવર્ધન, સંરક્ષણ કે બ્યૂટીફિકેશનના કામો શક્ય બનતા ન હતા. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવતા કલેક્ટરશ્રી આનંદ પટેલે ‘તળાવ નીમ’ કરવાનું અભિયાન શરૂ કરાવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત કચ્છના તમામ ૧૦ તાલુકામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી તળાવોની જમીન માપણી કરવામાં આવી. ડીઆઈએલઆર (DILR)ની મદદથી તળાવોના ચોક્કસ ક્ષેત્રફળની માપણી કર્યા બાદ સત્તાવાર હુકમો પસાર કરવામાં આવ્યા, જેથી ભવિષ્યમાં કોઈ વાદવિવાદ ન રહે અને ગેરકાયદેસર દબાણો અટકાવી શકાય. આ પ્રક્રિયામાં કુલ અંદાજિત ૫૬૯૧ એકર જમીન તળાવ તરીકે નીમ કરવામાં આવી છે.

તાલુકાવાર રીતે જોવામાં આવે તો ભુજમાં ૩૧૩, મુન્દ્રામાં ૨૫, માંડવીમાં ૩૮, નખત્રાણામાં ૧૬૩, અબડાસામાં ૮૭, અંજારમાં ૧૩૨, ભચાઉમાં ૭૮, રાપરમાં ૧૮, લખપતમાં ૪૫ અને ગાંધીધામમાં ૧૧ તળાવો નીમ કરાયા છે. ખાસ કરીને ભુજ શહેરના ૨૧ તળાવો માટે કલેક્ટરએ સીધા હુકમો કરીને સંબંધિત ઓથોરિટીને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરાવી છે. આ ઝુંબેશમાં ગૌચર જમીન પર આવેલા તળાવોની પણ ઓળખ કરી તેની સંપૂર્ણ માહિતી જિલ્લા પંચાયતને સોંપવામાં આવી છે, જેથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા તેનો યોગ્ય સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે.

હવે આ તમામ ૯૧૦ તળાવો ‘સુજલામ સુફલામ’, ‘અમૃત સરોવર’, વીબીજીરામજી જેવી યોજનાઓ હેઠળ વિકાસાધિન બની શકશે. તળાવોને સત્તાવાર દરજ્જો મળવાથી ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે, આસપાસના ટ્યુબવેલ, બોરવેલ અને કુવાઓના પાણીસ્તર ઉંચા આવશે. જળસંગ્રહ વધવાથી માઇક્રો-ક્લાઈમેટમાં સુધારો થશે, ખારાશ ઘટશે અને પીવાના તથા સિંચાઈના પાણીની ગુણવત્તા સુધરશે. આ સાથે રાજ્ય સરકારના મોંઘા વોટર હાર્વેસ્ટિંગ અને પાઇપલાઇન પ્રોજેક્ટ્સ પરનો ખર્ચ પણ ઘટશે.

વનવિભાગ દ્વારા તળાવોની આસપાસ વૃક્ષારોપણ અને સિંચાઈ વિભાગ દ્વારા આયોજનબદ્ધ વિકાસ માટે કલેક્ટરે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ પહેલથી પશુ-પંખીઓ માટે વિશ્વસનીય પાણીના સ્ત્રોત ઉભા થશે અને કૃષિ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે.કચ્છ કલેક્ટરની આગેવાનીમાં મહેસૂલી તંત્ર દ્વારા હાથ ધરાયેલું આ તળાવ નીમ કરવાનું અભિયાન માત્ર એક વહીવટી કાર્યવાહી નહીં, પરંતુ પર્યાવરણ રક્ષણ અને ભવિષ્યની પેઢી માટે જળ સંવર્ધનની દિશામાં ઐતિહાસિક અને દુરગામી અસર ધરાવતું પગલું સાબિત થશે.

Most Popular

To Top