નવી દિલ્હી: ઓડિશા એરપોર્ટ પાસેથી 87 કિલો સોનું અને 100 કિલો ચાંદીનો મોટો જથ્થો ઝડપાયો હતો. ત્યારે આટલી મોટી માત્રામાં સોના-ચાંદીનો જથ્થો પકડી પાડવાનું આ કાર્ય કોમર્શિયલ ટેક્સ અને ગુડ્સ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ (CT&GST) દ્વારા પાર પાડવામાં આવ્યુ હતું. જેમાં ઓથોરિટીએ 2 કન્ટેનર ઝડપ્યા હતા. આ બે કન્ટેનરોમાં સોના ચાંદીનો જંગી જથ્થો જોતા જ અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી.
અસલમાં ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ (BPIA) પાસેથી CT&GSTના અધિકારીઓએ સોના અને ચાંદીનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. આ સોના-ચાંદીનો જથ્થો એટલો બધો હતો કે અધિકારીઓ પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે મામલાની માહિતી આપતા કોમર્શિયલ ટેક્સના જોઈન્ટ કમિશનર અજય કુમાર સેઠીએ જણાવ્યું હતું કે સોનાના પેકેટનું કુલ વજન 87 કિલો હતું, પરંતુ ચોખ્ખું વજન ઓછું હોઈ શકે છે. તે જ સમયે, ચાંદીનું વજન 100 કિલોથી વધુ માપવામાં આવ્યુ હતું. માર્કેટમાં તેની કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા છે.
જ્વેલરી બે કન્ટેનરમાં ભરેલી હતી: અજય કુમાર
સમગ્ર મામલે કોમર્શિયલ ટેક્સના જોઈન્ટ કમિશનર અજય કુમાર સેઠીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે બે કન્ટેનર જપ્ત કર્યા હતા. એક કન્ટેનરમાં ચાંદીના દાગીના હતા, જ્યારે બીજા કન્ટેનરમાં સોનાની સાથે ચાંદીના દાગીના ભરેલા હતા. આ કાર્ગો અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્હીથી બે ખાનગી એરલાઈન્સ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ આ માલ ભુવનેશ્વર અને તેની આસપાસના ઘણા વેપારીઓ માટે હોવાનું પણ સામે આવ્યુ હતું.’’
સેઠીએ વધુમાં જણાવ્યું હતું કે આ કન્સાઈનમેન્ટ ઈન્ડિગો અને વિસ્તારાની ફ્લાઈટ દ્વારા ભુવનેશ્વર લાવવામાં આવ્યું હતું. જેમાં સોના-ચાંદીના દાગીના બોક્સમાં ભરીને રાખવામાં આવ્યા હતા. પરંતુ પ્રાપ્ત સોના-ચાંદીમાંથી જો કોઈ પણ સામાન યોગ્ય બિલ વગર જણાશે તો GST એક્ટ અને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જ્વેલરી ઓછામાં ઓછા 12 જ્વેલરી સ્ટોર્સમાં જાય છે?
આ મામલે સીટી અને જીએસટીના ડેપ્યુટી કમિશનર માનસ સ્વૈને જણાવ્યું હતું કે સોના અને ચાંદી, કે જે મોટાભાગે જ્વેલરીના રૂપમાં હતા ઓછામાં ઓછા 12 જ્વેલરી સ્ટોર્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે, કિંમતી ધાતુઓના માલિકો ટેક્સ ચલણ સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. તેથી અમારા અધિકારીઓએ સોનું અને ચાંદી જપ્ત કર્યા હતા. જો આ મત્તાના માલિકો યોગ્ય સમયમાં યોગ્ય પુરાવાઓ હાજર કરવામાં નિષ્ફળ જશે તો જપ્ત કરાયેલુ સોનુ-ચાંદી બુલિયન સરકારી તિજોરીમાં મોકલવામાં આવશે.”