મારા માટે રડશો નહીં, આનંદ કરો અને પાર્ટીમાં જાઓ’: શોક ન મનાવવાની અંતિમ ઈચ્છા સાથે વડોદરા મેડિકલ કોલેજને મૃતદેહ અર્પણ
વડોદરા : શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા 86 વર્ષના એક સિનિયર સિટિઝને પોતાના મૃતદેહનું બરોડા મેડિકલ કોલેજને દાન કરીને સમાજ માટે એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઈશ્વરભાઈ પટેલ નામના આ વૃદ્ધની અંતિમ ઈચ્છા અનુસાર, તેમના અવસાન બાદ પરિવારજનોએ તેમના પાર્થિવ દેહને મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સુપરત કર્યો હતો.
નાગરવાડા ગેટ ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ પટેલે આજથી લગભગ 20 વર્ષ પહેલાં જ દેહદાન કરવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પમાં તેમણે માત્ર દેહદાનની જ નહીં, પરંતુ તેમના અવસાન પછીની વિધિઓ અંગે પણ સ્પષ્ટ ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઈશ્વરભાઈએ તેમની અંતિમ ઈચ્છામાં જણાવ્યું હતું કે, તેમના અવસાન બાદ પરિવારજનો કે સગા-સંબંધીઓએ શોક કરવો નહીં, કે રડવું નહીં. એટલું જ નહીં, તેમણે સૂતક પણ ન રાખવા માટે વિનંતી કરી હતી. તેની જગ્યાએ તેમણે પરિવારજનોને લગ્ન કે પાર્ટીમાં જવું અને જીવનનો આનંદ માણવો તથા તેમની આત્માની શાંતિ માટે આટલું જ કરવા જણાવ્યું હતું.
શનિવારે તેમનું અવસાન થતાં, તેમના પ્રગતિશીલ વિચારોને માન આપીને પરિવાર દ્વારા તેમની ઈચ્છાનું પાલન કરવામાં આવ્યું હતું. તેમણે શોક અને વિધિઓને બદલે શિક્ષણ અને સકારાત્મકતાને મહત્વ આપવાનો જે સંદેશ આપ્યો, તે ખરેખર પ્રેરણાદાયક છે. પરિવારે તાત્કાલિક તેમના મૃતદેહને બરોડા મેડિકલ કોલેજને સુપરત કર્યો હતો, જ્યાં તેનો ઉપયોગ વિદ્યાર્થીઓના અભ્યાસ અને સંશોધન માટે થશે. ઈશ્વરભાઈના આ નિર્ણયથી મેડિકલના વિદ્યાર્થીઓને માનવ શરીરની રચનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ છે.