પાકિસ્તાનની જાણીતી ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ હિના બ્લોચે તાજેતરમાં એક એવો દાવો કર્યો છે જેનાથી સમગ્ર દેશમાં અને સોશિયલ મીડિયા પર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. એક ખાનગી પોડકાસ્ટ દરમિયાન હિના બ્લોચે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં લગભગ 80 ટકા પુરુષો ‘ગે’ (સમલૈંગિક) અથવા બાયસેક્સ્યુઅલ છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ પાકિસ્તાની સમાજમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
શું છે સમગ્ર મામલો? : હિના બ્લોચે એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની પુરુષોની માનસિકતા અને તેમની સેક્સ્યુઆલિટી વિશે ખૂલીને વાત કરી હતી. તેણે કહ્યું કે, “પાકિસ્તાનમાં દેખાવ ખાતર પુરુષો લગ્ન કરે છે અને બાળકો પેદા કરે છે, પરંતુ તેમની વાસ્તવિક પસંદગી અલગ હોય છે. મારા અનુભવ મુજબ, અહીંના 80 ટકા પુરુષો સમલૈંગિક સંબંધોમાં રસ ધરાવે છે, પરંતુ સામાજિક દબાણ અને ધાર્મિક મર્યાદાઓને કારણે તેઓ આ વાત સ્વીકારી શકતા નથી. હિનાએ વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રાન્સજેન્ડર સમુદાય સાથે જોડાયેલા હોવાને કારણે તેને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર છે. તેણે દાવો કર્યો કે ઘણા પરિણીત પુરુષો પણ ખાનગીમાં અન્ય પુરુષો અથવા ટ્રાન્સજેન્ડર્સ સાથે સંબંધ રાખતા હોય છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો પૂર : હિના બ્લોચનો આ વીડિયો વાયરલ થતા જ પાકિસ્તાનમાં લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. રૂઢિચુસ્ત લોકો હિનાના આ દાવાને પાયાવિહોણો અને ઈસ્લામિક મૂલ્યોની વિરુદ્ધ ગણાવી રહ્યા છે. ઘણા યુઝર્સે તેને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે પાકિસ્તાની સમાજમાં આ એક છુપાયેલું સત્ય છે જેને દબાવવામાં આવે છે.
પાકિસ્તાનમાં કાયદાકીય સ્થિતિ : નોંધનીય છે કે પાકિસ્તાન એક કટ્ટરપંથી ઇસ્લામિક રાષ્ટ્ર છે જ્યાં સમલૈંગિકતાને ગુનો માનવામાં આવે છે. પાકિસ્તાન પીનલ કોડ મુજબ, સમલૈંગિક સંબંધો માટે જેલની સજાની જોગવાઈ છે. આવા સંજોગોમાં હિના બ્લોચ જેવા એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલ આટલો મોટો દાવો દેશની છબી અને સામાજિક માળખા પર સવાલો ઉભા કરી રહ્યો છે. અગાઉ પણ હિના બ્લોચ પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી રહી છે. આ પહેલા તેણે ટ્રાન્સજેન્ડર રાઈટ્સ એક્ટ (Transgender Rights Act) ના સમર્થનમાં પણ અવાજ ઉઠાવ્યો હતો. જોકે, આ વખતે તેના 80 ટકાવાળા આંકડાએ એક નવો જ વિવાદ છેડ્યો છે, જે હાલમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.