આસામના હોજાઈ જિલ્લામાં આજે વહેલી સવારે એક ગંભીર રેલ અકસ્માત સર્જાયો હતો. સૈરંગ–નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન હાથીઓના ટોળા સાથે અથડાતા એન્જિન સહિત પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં આઠ હાથીઓના મોત થયા હતા. જ્યારે એક હાથી ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે આ ઘટનામાં કોઈ પણ મુસાફરને ઇજા પહોંચી નથી.
નોર્થઈસ્ટ ફ્રન્ટીયર રેલ્વે (NFR)ના પ્રવક્તા મુજબ નવી દિલ્હી તરફ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ આજે 20 ડિસેમ્બર સવારે લગભગ 2:17 વાગ્યે હોજાઈ જિલ્લાના ચાંગજુરાઈ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેન અચાનક પાટા પર આવેલા હાથીઓના ટોળા સાથે અથડાઈ ગઈ. જેના કારણે એન્જિન અને પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા.
નાગાંવ જિલ્લાના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સુહાશ કદમે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્તાર હાથી કોરિડોર તરીકે ઓળખાતો નથી છતાં હાથીઓ પાટા પર કેવી રીતે આવ્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે લોકોમોટિવ પાઇલટે હાથીઓને જોઈને ઇમરજન્સી બ્રેક લગાવી હતી પરંતુ ટ્રેનની ઝડપ વધુ હોવાના કારણે ટક્કર ટાળી શકાઈ નહોતી. ટક્કર એટલી ભયાનક હતી કે હાથીઓના મૃતદેહના ભાગો પાટા પર ફેલાઈ ગયા, હતા. જેના કારણે આસામ અને ઉત્તરપૂર્વના અનેક વિસ્તારોમાં ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ.
તેમજ રેલવે દ્વારા ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનાના બાદ રાજધાની એક્સપ્રેસના મુસાફરોને અન્ય કોચમાં બેસાડવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ વન્યજીવ સંરક્ષણ અને રેલ સલામતી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.