જન્મના દાખલાથી ફાયર એનઓસી સુધીના નકલી દસ્તાવેજોનું ધમધમતું રેકેટ
બે બે મહિના થવા છતાં નકલીનું રેકેટ ક્યાંથી અને કોણ ચલાવે છે તે જાણવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ નીવડતા છેલ્લા સપ્તાહ ઉપરાંતથી ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોતરાઇ
વડોદરા શહેરમાં નકલી જન્મના પ્રમાણપત્ર અને બોગસ ફાયર એનઓસી મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક નકલી અને બોગસ સરકારી દસ્તાવેજો મળવા છતાં હજુ સુધી કોઈપણ નક્કર કાર્યવી કે જવાબદારી નક્કી થઈ નથી. નકલી જન્મના પ્રમાણપત્ર અત્યાર સુધીમા આઠ જેટલા મળ્યા બાદ પણ ગુનાના મૂળ સુધી પહોંચી શકવામાં પોલીસ પણ નિષ્ફળ નીવડી છે. બે બે મહિના થવા છતાં નકલીનું રેકેટ ક્યાંથી અને કોણ ચલાવે છે તે જાણવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ નીવડતા હવે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોતરાઇ છે. બીજી તરફ અધિકારીઓમાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો છે કે, બે મહિના થવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી. છેલ્લા બે મહિનામાં નકલી જન્મના પ્રમાણપત્રમાં મકરપુરામાંથી ત્રણ, બાપોદમાંથી એક, માંજલપુરમાંથી બે, વરસિયામાંથી એક જ્યારે શહેર વિસ્તારમાંથી એક અને આજે છાણીમાંથી એક નકલી જન્મનો દાખલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ ફાયર વિભાગમાં પણ બે બે મહિના થવા છતાં બોગસ ફાયર એનઓસી કોને બનાવી તે જાણવામાં પણ પોલીસ નિષ્ફળ નીવડી છે. ફાયર વિભાગ પણ આ મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. બે મહિના અગાઉ પકડાયેલી ફાયર એનઓસી મામલે પણ ફાયર વિભાગે એફઆઈઆર ન કરી માટે જાણવા જોગ અરજી આપી જેને પગલે યોગ્ય તપાસ થઈ શકી નહીં. બંને કિસ્સાઓમાં ખોડિયારનગરમાં રહેતા જયેશ મકવાણા નામના ઇસમનું નામ સામે આવ્યું તેમ છતાં હજુ સુધી જયેશ મકવાણા કોણ છે તે પણ જાણવામાં ફાયર વિભાગ અને પોલીસ બંને કાઠુ કાઢી શકાય નથી.
મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના માલિકને નકલી એનઓસીથી ફસાવવાનો પ્રયાસ, ડ્રાફ્ટ બાદ વેન્ડર ગાયબ અને કથિત ઓફિસરોની ધમકી
તાજેતરમાં મળેલી મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની બોગસ ફાયર એનઓસી મામલે મળેલી માહિતી મુજબ, કોપલેક્સના માલિકે સૌ પ્રથમ 26 ડિસેમ્બર 2024 ના રોજ 40 હજારનો ડ્રાફ્ટ કોર્પોરેશનના નામે બનાવ્યો હતો. આ ડ્રાફ્ટ બનાવવા માટે જયેશ મકવાણાએ કહ્યું હતું. મૂળ ખોડિયારનગર વિસ્તારમાં રહેતો જયેશ મકવાણા ફાયર સેફ્ટી સાધનોના કામ કરતો હતો. જયેશ મકવાણાને મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના માલિકે અવાર નવાર ફોન કર્યા પરંતુ ડ્રાફ્ટ બન્યા બાદ તે ગાયબ થઈ ગયો. જે બાદ કોમ્પલેક્ષના માલિકને લાગ્યું કે, જયેશ હવે તેમને જવાબ નથી આપી રહ્યો. એ બાદ તેમને નવા વેન્ડરનો સંપર્ક કર્યો અને 30 એપ્રિલ 2025 ના રોજ ઑનલાઇન ફાયર એનઓસી માટે એપ્લાય કર્યું હતું. પરંતુ ગત ગુરુવારે અચાનક તેમના કોમ્પલેક્ષમાં બપોરે 12 વાગ્યાના સુમારે ચાર અજાણ્યા લોકો ફરતા હતા. તેઓ બિલ્ડિંગમાં બધું ચેક કરી રહ્યા હતા. ચેક કરતા સમયે જીમ જોવાનું કહી જીમ પણ ચેક કર્યું. આ તમામ ઘટનાક્રમ બાદ એક યુનિફોર્મમાં અને અન્ય એક સિવિલ ડ્રેસમાં એમ કુલ બે ફાયર ઓફિસર કોમ્પલેક્ષ પર આવી પહોંચે છે. તેઓ કોમ્પલેક્ષના માલિકને નકલી ફાયર એનઓસી બતાવી કહે છે, આ તમારા કોમ્પલેક્ષની ફાયર એનઓસી નકલી છે. જેના જવાબમાં કોમ્પલેક્ષના માલિકે કહ્યું, મેં 30 એપ્રિલ 2025 ના રોજ ઑનલાઇન ફાયર એનઓસી માટે એપ્લાય કર્યું છે. મને હજુ મળી નથી. આમ કહેવા છતાં, ત્યાં હાજર કથિત ફાયર ઓફિસરે માધ્યમોમાં તારું નામ આવી જશે તેવું કહ્યું હતું.
અર્શ પ્લાઝા બાદ મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ કેસમાં ફરી ‘જયેશ મકવાણા’નું નામ
આજવા રોડ સ્થિત અર્શ પ્લાઝા અને હવે હરણી વિસ્તારમાં મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની બોગસ ફાયર એનઓસી મામલે ત્રણ નામ કોમન સામે આવ્યા છે. જેમાં બે ફાયર ઓફિસર નિકુંજ આઝાદ અને પાર્થ બ્રહ્મભટ્ટ અને વેન્ડર તરીકે ફરી જયેશ મકવાણાનું નામ સામે આવ્યું છે. આટલા નામો આવ્યા છતાં જયેશ મકવાણા કે જેને ફાયર એનઓસી આપી હોવાનું અર્શ પ્લાઝા અને મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના માલિકો કહી રહ્યા છે છતાં ખોડિયારનગર વિસ્તારમાં રહેતો જયેશ મકવાણા સુધી હજુ સુધી ન તો ફાયર વિભાગ પહોંચી શક્યું છે, ન તો પોલીસ પહોંચી શકી.
ફાયર વિભાગ કહે છે અરજી મળી નથી, માલિક કહે છે ફી ભરી
ફાયર વિભાગના કહેવા પ્રમાણે, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની ઓનલાઈન ફાયર એનઓસી માટેની કોઈ અરજી મળી નથી. જ્યારે મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના માલિકના કહેવા મુજબ, 30 એપ્રિલ 2025 ના રોજ તેમને 2000 રૂપિયા ઓનલાઈન ફોન પે ના માધ્યમથી ભર્યા છે.
સુરત બાદ વડોદરામાં પણ નકલી જન્મના પ્રમાણપત્ર રેકેટની શંકા
ગત વર્ષે સુરતથી ફૂલપાડાના જનસેવા સંચાલકની નકલી જન્મના પ્રમાણપત્ર બનાવવા મામલે સુરત પોલીસના ઈકો સેલે ધરપકડ કરી હતી. જેમાં સંચાલક માત્ર 10 રૂપિયામાં નકલી જન્મના પ્રમાણપત્ર બનાવતો હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં 80 હજારથી વધુ નકલી જન્મના પ્રમાણપત્ર બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. અલગ અલગ વેબસાઇટ પરથી નકલી જન્મના પ્રમાણપત્ર બનાવતા હતા, જેનું આખું રેકેટ બિહારથી ચાલતું હતું. વડોદરામાં પણ અધિકારીઓને શંકા છે કે, શહેરમાં પણ નકલી જન્મના પ્રમાણપત્ર મામલે કોઈ મોટું રેકેટ ચાલી રહ્યું છે.