Vadodara

8 દિવસનું ‘મિની વેકેશન’ પૂર્ણ! સરકારી કચેરીઓ ફરી ધમધમી, આજથી ‘પેન્ડિંગ’ કામોને મળશે ગતિ

લાંબી રજાઓ બાદ કલેક્ટર અને મહાપાલિકા સહિતના વિભાગોમાં જનતાના કામો શરૂ; અરજદારોની કચેરીઓમાં ભીડ થવાની શક્યતા

વડોદરા : દિવાળીના તહેવાર નિમિત્તે સરકારી કચેરીઓમાં જાહેર થયેલું 8 દિવસનું મિની વેકેશન પૂર્ણ થતાં, સોમવારથી શહેરની તમામ સરકારી કચેરીઓ ફરીથી કાર્યરત થઈ ગઈ છે. તારીખ 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી સતત આઠ દિવસની રજાઓ બાદ આજે વહેલી સવારથી જ કચેરીઓમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની હાજરી જોવા મળી હતી, જેના પગલે કચેરીઓમાં ફરીથી કામકાજનું વાતાવરણ શરૂ થયું છે.

લાંબી રજાઓને કારણે સરકારી કામગીરીમાં જે રૂકાવટ આવી હતી તે હવે ગતિ પકડશે. ખાસ કરીને જાહેર જનતાના કામકાજ, જેના માટે લોકો છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોઈ રહ્યા હતા, તે હવે ઝડપથી આગળ વધવાની શક્યતા છે. કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા, પોલીસ કમિશનર કચેરી, સબ-રજિસ્ટ્રાર કચેરી સહિતની તમામ વહીવટી શાખાઓમાં ધમધમાટ શરૂ થયો છે.

દિવાળીના તહેવારના કારણે મોટાભાગના કર્મચારીઓ પોતાના વતન અથવા પ્રવાસે ગયા હતા, પરંતુ રજાઓ પૂર્ણ થતાં જ તેઓ ફરજ પર હાજર થઈ ગયા હતા. જોકે, પ્રથમ દિવસ હોવાથી કેટલીક કચેરીઓમાં કામકાજની ગતિ ધીમી રહી શકે છે, પરંતુ આગામી દિવસોમાં કામકાજ સંપૂર્ણપણે પૂર્વવત થઈ જશે. જાહેર જનતાને તેમના અટકેલા કામકાજ પૂર્ણ કરવા માટે હવે સરકારી કચેરીઓનો સંપર્ક સાધવો પડશે.

Most Popular

To Top