Business

બાંગ્લાદેશના કર્ફ્યુ અને હિંસા વચ્ચે 778 ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ આવ્યા

ઢાકા: ભારતનો મિત્ર અને પડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh) હાલના સમયમાં મોટી સમસ્યામાંથી પસાર થઇ રહ્યો છે. અસલમાં અહીં કેટલાક પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ અનામત માટે હિંસા અને આંદોલનો શરુ કરી દીધા હતા. ત્યારે આ પ્રદર્શનકારીઓને રોકવા માટે બાંગ્લાદેશી પોલીસે જવાબી કાર્યવાહી પણ કરી હતી. પરંતુ આંદોલન શમવાની જગ્યાએ વધુ ઉગ્ર બની ગયું હતું, તેમજ બાંગ્લાદેશના રસ્તાઓ ઉપર ઠેર ઠેર આગજની પણ જોવા મળી હતી. ત્યારે હવે અહીં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને (Indian Students) સ્વદેશ પરત લાવવાની કામગીરી ભારતીય દુતાવાસે શરૂ કરી દીધી છે.

બાંગ્લાદેશમાં દેશવ્યાપી કર્ફ્યુ અને ગંભીર હિંસા વચ્ચે 778 ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા છે. તેમજ હાલમાં હજારો વિદ્યાર્થીઓ ભારતીય વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. અસલમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં 105 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પછી વડાપ્રધાન હસીનાએ દેશભરમાં કર્ફ્યુ લાદી દીધો હતો. ત્યારે ભારતીય વિદેશ મંત્રાલય અને ઢાકાનું ભારતીય દૂતાવાસ સમગ્ર ઘટના પર 24 કલાક નજર રાખી રહ્યું છે અને ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. આ સાથે જ દૂતાવાસ તમામ ભારતીય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સહાય પણ પૂરી પાડી રહ્યુ છે.

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા અને કર્ફ્યુ વચ્ચે અત્યાર સુધીમાં 778 ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ લેન્ડ પોર્ટ દ્વારા ભારત પરત ફર્યા હતા. આ ઉપરાંત લગભગ 200 વિદ્યાર્થીઓ ઢાકા અને ચિત્તાગોંગ એરપોર્ટ દ્વારા નિયમિત ફ્લાઇટ સેવાઓની મદદથી ઘરે પરત ફર્યા હતા. દરમિયાન ઢાકામાં ભારતીય હાઈ કમિશન અને વિદેશ મંત્રાલયના સહયોગી હાઈ કમિશન બાંગ્લાદેશની વિવિધ યુનિવર્સિટીઓમાં બાકી રહેલા 4000 થી વધુ વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંપર્કમાં છે. આ 4000 વિદ્યાર્થીઓના પરત ફરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને જરૂરી સહાય પણ પુરી પાડવામાં આવી રહી છે.

ભારતે નેપાળ અને ભૂટાનના વિદ્યાર્થીઓને પણ મદદ કરી
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંસાને કારણે નેપાળ અને ભૂટાનના વિદ્યાર્થીઓને પણ ભારત દ્વારા મદદ કરવામાં આવી રહી છે. બંને દેશોની સરકારોના અનુરોધ પર ભારત દ્વારા આ બંને દેશોના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બંને દેશોના વિદ્યાર્થીઓને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ તેમને સંપૂર્ણ મદદ પણ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top