Vadodara

75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’

એડવોકેટની આગેવાનીમાં રહીશોએ પાલિકા ગેટ ગજવ્યો; રહેઠાણની વ્યવસ્થા વિના મકાનો ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બિલ ગામ વિસ્તારમાં 75 મીટરના વિશાળ રસ્તાના અમલીકરણ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ રસ્તાની રેષામાં આવતા 87 જેટલા મકાનોને 10 દિવસમાં ખાલી કરવાની કડક નોટિસ પાઠવવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. ગુરુવારે મોટી સંખ્યામાં રહીશોએ પાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેમને ગેટ બહાર અટકાવવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું.
પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, રસ્તાના પ્રોજેક્ટમાં અવરોધરૂપ બનતા મકાનો રહીશોએ સ્વૈચ્છિક રીતે 10 દિવસમાં ખાલી કરી દેવા, અન્યથા પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે. આ નોટિસ મળતા જ બિલ ગામના શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારો ચિંતામાં મુકાયા છે. રહીશોની એક જ માંગ છે કે, “અમે ક્યાં જઈશું? અમને પહેલા વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી આપો, ત્યારબાદ જ કપાતની કામગીરી હાથ ધરો.”
રહીશોની વેદનાને વાચા આપવા માટે એડવોકેટની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, સુરક્ષાના કારણોસર પાલિકાના મુખ્ય ગેઈટ પાસે જ રહીશોને અટકાવી દેવામાં આવતા મામલો ગરમાયો હતો. રહીશોએ ગેઈટ પાસે જ બેસીને ધરણાં શરૂ કર્યા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
હાલમાં આ મામલો પાલિકામાં ગૂંચવાયો છે. એક તરફ શહેરના વિકાસ માટે રસ્તાનું પહોળીકરણ જરૂરી છે, તો બીજી તરફ અનેક પરિવારો બેઘર થવાની ભીતિમાં જીવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા કમિશનર આ રહીશોને આશ્વાસન આપે છે કે પછી સીધું ડિમોલિશન શરૂ કરવામાં આવે છે.

સ્થાનિક રહીશની વેદના:
“અમે રસ્તાની વિરોધમાં નથી, પણ અમને રસ્તા પર તો ન લાવો”…
​વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા બિલ ગામના એક વયોવૃદ્ધ મહિલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે:
​”અમે છેલ્લા કેટલાય વર્ષોથી અહીં રહીએ છીએ. પાલિકા વિકાસ માટે રસ્તો બનાવવા માંગે છે તેની સામે અમને કોઈ વાંધો નથી, પણ અમને ઘરની સામે ઘર આપ્યા વગર બહાર કાઢી મૂકવા એ ક્યાંનો ન્યાય છે? રાતોરાત સામાન લઈને અમે નાના છોકરાઓ સાથે ક્યાં જઈશું? અમારી એક જ વિનંતી છે કે પહેલા અમને વૈકલ્પિક આવાસનો પત્ર આપો, પછી ભલે અમારા મકાનો પર બુલડોઝર ફેરવી દો. જો અમને રહેવાની જગ્યા નહીં મળે, તો અમે અહીંથી હટીશું નહીં.”

કપાતની અસર: 75 મીટરના રસ્તાની રેષામાં કુલ 87 મકાનો આવે છે.
*​તંત્રનું વલણ: નોટિસ બાદ તુરંત કામગીરી શરૂ કરવાની તૈયારી.
*​રહીશોની માંગ: મકાન તોડતા પહેલા હક્ક મુજબનું વૈકલ્પિક મકાન ફાળવવામાં આવે.
*​ઘર્ષણ: પાલિકા કચેરીમાં પ્રવેશતા અટકાવતા રહીશો અને સુરક્ષા કર્મીઓ વચ્ચે રકઝક.

Most Popular

To Top