Gujarat

ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સુરક્ષિત વતન પરત

ઈરાન અને અમેરિકા વચ્ચે વધેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના ૭૨ માછીમારો ઈરાનમાં ફસાઈ ગયા હતા. હવે કેન્દ્ર સરકારના પ્રયાસોથી આ તમામ માછીમારો સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફર્યા છે. તેઓના ઘરે પરત આવવાથી તેમના પરિવારજનો અને સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ તમામ માછીમારો રોજગાર માટે ઈરાન ગયા હતા. શરૂઆતમાં તેઓ ત્યાં શાંતિથી માછીમારી કરી રહ્યા હતા, પરંતુ અચાનક યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ. તા. 28 ફેબ્રુઆરીથી તેઓ ત્યાં ફસાયેલા હતા. બોમ્બ ધડાકા અને તણાવના કારણે તેઓ ખુબ જ ભયમાં જીવતા હતા.

કેટલાક માછીમારોએ જણાવ્યું કે જ્યારે બોમ્બ ધડાકા થયા ત્યારે તેઓ સમુદ્રમાં હતા. તે સમયે તેમની બોટનું જીપીએસ અને અન્ય સાધનો કામ કરવાનું બંધ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ સુરક્ષા માટે તેઓ ઘણા દિવસો સુધી એક રૂમમાં જ રહ્યા. બહાર નીકળવાની હિંમત પણ નહોતી, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ જોખમી હતી. આ મુશ્કેલી દરમિયાન માછીમારોએ પોતાના મોબાઇલથી વીડિયો બનાવીને પોતાના ગામના લોકો અને પ્રતિનિધિઓ સુધી પહોંચાડ્યા. આ વીડિયો દ્વારા તેમની હાલત વિશે માહિતી મળી. ત્યારબાદ સ્થાનિક આગેવાનો અને ટ્રસ્ટના સભ્યોએ આ મામલો સાંસદો સુધી પહોંચાડ્યો.

આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા ઈરાન સરકાર સાથે વાતચીત કરવામાં આવી. આ ચર્ચાઓના પરિણામે માછીમારોને સુરક્ષિત રીતે પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી. તા. 11 એપ્રિલે તમામ 72 માછીમારોને ઈરાનથી ફ્લાઇટ દ્વારા ભારત લાવવામાં આવ્યા. તેઓ રાત્રે ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાંથી તેમને બે બસમાં બેસાડી વલસાડ લાવવામાં આવ્યા. સોમવારે સવારે તેઓ વલસાડ સરકિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. વલસાડ પહોંચતા જ રાજ્યના મંત્રીઓ, સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા અધિકારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. તમામ માછીમારોને હાર પહેરાવીને આવકારવામાં આવ્યા. પોતાના ગામમાં પગ મુકતા જ તેઓ ખૂબ ભાવુક બની ગયા અને “ભારત માતા કી જય”ના નારા લગાવ્યા હતા.

માછીમારોના પરિવારજનો પણ લાંબા સમયથી તેમની રાહ જોઈ રહ્યા હતા. એક મહિના પછી પોતાના સ્વજનોને જોઈને બધા જ લોકો ખુશીથી ભરાઈ ગયા. કેટલાક માછીમારોએ કહ્યું કે તેઓએ આશા લગભગ છોડી દીધી હતી, પરંતુ ભારત સરકારના પ્રયાસોથી તેઓ આજે સુરક્ષિત ઘરે આવી શક્યા. આ સમગ્ર ઘટનાએ બતાવ્યું કે મુશ્કેલીના સમયમાં સરકાર પોતાના નાગરિકોને મદદ કરવા માટે તૈયાર રહે છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે છે. આ ઘટનાથી વલસાડ અને નવસારી જિલ્લામાં આનંદનો માહોલ છે. ગામોમાં ખુશી અને ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે કે તેમના પોતાના લોકો સુરક્ષિત રીતે પરત આવ્યા.

Most Popular

To Top