ગાંધીનગર : કાશ્મીર તરફથી આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં અચાનક ઠંડીનો પારો નીચે ઉતરી જવા સાથે કચ્છમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છના નલિયામાં આજે 7 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમની અસર તેમજ દક્ષિણ – પશ્વિમ રાજસ્થાન પર રહેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ કચ્છ, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ઠંડીની અસર વધી છે. જો કે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આગામી 72 કલાક દરમ્યાન 3થી 5 ડિગ્રી ઠંડીમાં રાહત મળશે. તે પછી ફરીથી ઠંડીનો પારો 3 ડિગ્રી નીચે ગગડી જવાની વકી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 11 ડિ.સે.,નલિયામાં 7 ડિ.સે., કંડલા પોર્ટ પર 13 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 10 ડિ.સે., અમરેલીમાં 12 ડિ.સે., ભાવનગરમાં 14 ડિ.સે., રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમા 12 ડિ.સે., પોરબંદરમાં 11 ડિ.સે., મહુવામાં 13 ડિ.સે., કેશોદમાં 10 ડિ.સે., અમદાવાદમાં 14 ડિ.સે., ડીસામાં 11 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિ.સે., વડોદરામાં 12 ડિ.સે., સુરતમાં 15 ડિ.સે. અને દમણમાં 15 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.