ગાંધીનગર: અજાણ્યા શખ્સો દ્વારા વોટ્સએપના માધ્યમથી શેરબજારમાં રોકાણ કરવા માટે લલચાવીને રોકાણ કરાવી 26.66 કરોડની છેતરપિંડી કરતી ગેંગના સાત સાગરીતની સ્ટેટ સીઆઈડી ક્રાઇમએ રાજકોટથી ધરપકડ કરી છે.
સ્ટેટ સીઆઈડી ક્રાઈમને મળેલી ફરિયાદના આધારે ઈન્ટેલિજન નેટવર્ક દ્વારા તપાસ હાથ ધરતા કેટલાક અજાણ્યા શખ્સોએ વોટ્સઅપનાના માધ્યમથી ભોગ બનનાર ફરિયાદીનો સંપર્ક કરી શેરબજારમાં રોકાણ કરવા માટે લલચાવી લિંકના આધારે રજિસ્ટ્રેશન કરાવડાવીને જુદી જુદી બેન્કોમાં 500 ડોલરનું રોકાણ કરાવ્યું હતું. તેની સામે 101 ડોલરનો નફો વર્ચ્યુઅલ વોલેટમાં બતાવીને 43,500 વિડ્રોલ કરવા દઈ, ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ ચાર્જ પેટે 26.66 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
છેતરપિંડી કરતી ગેંગના રાજકોટના અમીન અશરફભાઈ શાહમદાર, અબ્દુલગની જાહિદભાઈ ડાંગસીયા, ભાવિન મારખીભાઈ કરંગીયા, આસિફ અમીનભાઇ થયમ, અનિશ નુરુદીન નરસીદાણી, હિરેન રમેશભાઈ પિત્રોડા અને અમન ઉર્ફે સાકિલ કાસમભાઈ ચોટલીયા (તમામ રહે., રાજકોટ)ની ધરપકડ કરી તેઓ પાસેથી આઠ મોબાઇલ, છ જુદી જુદી બેંકોના ડેબિટ કાર્ડ, બે ચેકબુક, બે પાસબુક અને એક સીમકાર્ડ જપ્ત કરી તમામની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.