અમદાવાદ: અમદાવાદના અમરાઈવાડીમાંથી પકડાયેલી નકલી ચલણી નોટોના કૌભાંડ કેસમાં મામલે ક્રાઈમ બ્રાંચે યોગ ગુરુ પ્રદીપભાઈ દિલીપભાઈ જોટાંગીયા સહિત સાત આરોપીની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને શુક્રવારે અમદાવાદની કોર્ટમાં રિમાન્ડમાં રજૂ કરતાં સ્પે.જજે સાત આરોપીને 10 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે.
અમદાવાદ બ્રાન્ચની ટીમે ગઈકાલે સુરતથી અમદાવાદમાં ઘુસાડવામાં આવી રહેલા રૂ.2.38 કરોડના ફેસ વેલ્યુની નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ કરી એક મહિલા સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શહેર ક્રાઈમના તપાસનીશ અધિકારીની ટીમે આરોપી મુકેશભાઈ લાખાભાઈ ઠુમ્મર (સુરત), અશોકભાઈ ધનજીભાઈ માવાણી (સુરત), રમેશભાઈ વલ્લભભાઈ ભાલર (સુરત), દિવ્યેશ ઈશ્વરભાઈ રાણા (સુરત), પ્રદીપભાઈ દિલીપભાઈ જોટાંગીયા (સુરત), મહિલા આરોપી (કતારગામ, સુરત) અને ભરતભાઈ વાલજીભાઈ કાકડીયા (સુરત)ને અમદાવાદની કોર્ટેમાં રજૂ કરી 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, સ્પે. જજે તમામ સાત આરોપીનાં 10 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા રિમાન્ડ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે આ નકલી નોટોના નેટવર્કમાં પ્રિન્ટિંગથી લઈ વિતરણ સુધીનું સુવ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હતું. આરોપીઓના ફોન કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)ના આધારે આ નેટવર્કમાં અન્ય લોકોની સંડોવાયેલા શોધવાના છે. આ નેટવર્ક પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય હોવાની શક્યતા છે અને વધુ તપાસ કરવાની હોવાથી આરોપીઓ સઘન પૂછપરછ જરૂરી છે. તેમજ અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો કયા કયા વિસ્તારોમાં ફરતી કરી છે, તેની તપાસ કરવાની હોવાની આરોપીની પોલીસ કસ્ટડી જરૂરી છે. તમામ રજૂઆતના અંતે કોર્ટે તમામ સાત આરોપીને 10 દિવસનાં રિમાન્ડ સોંપવાનો આદેશ કર્યો હતો