રશિયાના કામચાટકા વિસ્તારમાં શનિવારે 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)એ આ માહિતી આપી હતી. ભૂકંપ બાદ દરિયાકાંઠે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે.
USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કીથી 111 કિલોમીટર પૂર્વમાં અને જમીનથી આશરે 39.5 કિલોમીટર ઊંડાઈએ હતું. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.5 જાહેર કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને સુધારીને 7.4 કરવામાં આવી.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ અલગ દ્રષ્ટિકોણ રજૂ કરતાં જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
સુનામીનો ભય
પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર મુજબ, ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરની ત્રિજ્યામાં ખતરનાક મોજા દરિયાકાંઠે અથડાવવાની શક્યતા છે. જોકે, નજીકના જાપાનમાં સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
તાજેતરના આંચકા
ગોર કરવા જેવી વાત એ છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી રશિયાના આ ભાગમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જુલાઈની શરૂઆતમાં અહીં 8.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જે 2011 પછીનો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવ્યો હતો.
હાલમાં, અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.