Business

રીઝર્વ બેંકનો પ્રતિબંધ છતાં ભારતના 7.3 ટકા લોકોનું ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ

નવી દિલ્હી: દેશમાં એક તરફ ક્રિપ્ટો કરન્સી(Crypto currency)ને કાનૂની માન્યતા આપવા અંગે સરકાર(Government) દ્વિધામાં છે અને બીજી તરફ રિઝર્વ બેન્ક(RBI) દ્વારા ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા તથા આગામી સમયમાં દેશની ડીજીટલ(Digital) કરન્સી(Currency) લોન્ચ કરવા માટે સરકારને ભલામણ કરી છે. તે વચ્ચે વિશ્વની સાથે ભારત(India)માં પણ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને ખાસ કરીને ભારતીય રોકાણ(investment) અને ટ્રેડીંગ(Trading) માટે ક્રિપ્ટોનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં કોરોના કાળ દરમિયાન ખાસ કરીને ક્રિપ્ટોને વધુ વેગ મળ્યો હતો. અને દેશમાં આજે સાત ટકાથી વધુ લોકો પાસે ક્રિપ્ટો કરન્સી છે.

લોકો જોખમ લઇ કરી રહ્યા છે રોકાણ
સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક રિપોર્ટ મુજબ 2021માં ક્રિપ્ટો કરન્સી રાખનાર લોકોની હિસ્સેદારી વિશ્વના 20 ટોચનાં અર્થતંત્રમાંથી 15 રાષ્ટ્રમાં સૌથી વધુ છે. વિકાસશીલ દેશો પણ તેમાં પાછળ નથી. ક્રિપ્ટોએ અસ્થિર કરન્સી હોવા છતાં પણ લોકો તેમાં જોખમ લઇને રોકાણ કરી રહ્યા છે. ભારતમાં રિઝર્વ બેન્કે ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા અનેક વખત સરકારને ભલામણ કરી છે અને આ કરન્સી કોઇ કાનૂની કે વિશ્વની કોઇ સરકાર પીઠબળ ધરાવતી ન હોવાથી ગમે ત્યારે પરપોટાની માફક ફૂટી શકે છે અને લોકોના અબજો ડોલરનું રોકાણ ધોવાઈ શકે છે. પરંતુ સરકારે હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય લીધો નથી.

ક્રિપ્ટો કરન્સી ધરાવતા દેશોમાં ભારતનું 7મું સ્થાન
રિઝર્વ બેન્ક ત્યાં સુધી કહે છે કે ક્રિપ્ટો કરન્સી પેમેન્ટના માધ્યમથી કાળાનાણાનું સર્જન થાય છે ઉપરાંત ગેરકાનૂની કામમાં પણ આ પ્રકારની ડીજીટલ કરન્સીનો ઉપયોગ સૌથી વધુ છે પરંતુ સરકારે 2022-23ના બજેટમાં ક્રિપ્ટો કરન્સી અને નોન ફંગેબલ ટોકન (એનએફટી)ને પણ ડીજીટલ કરન્સી સાથે જોડી છે અને તેની કમાણી પર 30 ટકા ટેક્સ લગાવ્યો છે તથા દરેક વ્યવહારો જે વાર્ષિક રુા. 10,000થી વધુ થતા હોય તેના પર 1 ટકા ટીડીએસ અલગથી લગાવ્યો છે પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટ મુજબ 2021માં ક્રિપ્ટો કરન્સી ધરાવતા દુનિયાના ટોચના 20 દેશોમાં ભારતનું સ્થાન સાતમુ છે.

ભારતમાં કુલ વસ્તીના 7.3 ટકા ક્રિપ્ટો કરન્સીના રોકાણકાર
સૌથી વધુ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ યુધ્ધગ્રસ્ત યુક્રેનમાં થયું છે જ્યાં 12.7 ટકા લોકો હવે આ ડીજીટલ કરન્સીથી જ વ્યવહાર કરે છે અથવા રોકાણ કરે છે. રશિયામાં 11.9 ટકા, વેનેઝુએલા કે જે વિશ્વમાં સૌથી વધુ ફુગાવાની સમસ્યા ધરાવે છે આ દેશમાં 10.3 ટકા રોકાણકારોએ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું છે. સિંગાપોરમાં 9.4 ટકા વસ્તી અને અમેરિકામાં 8.3 ટકા લોકોએ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું છે જ્યારે ભારતમાં કુલ વસ્તીના 7.3 ટકા ક્રિપ્ટો કરન્સીના રોકાણકાર છે. રસપ્રદ બાબત એ છે કે દેશના ફક્ત 3 ટકા લોકો શેરબજારમાં રોકાણ કરે છે. 10 ટકા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.

Most Popular

To Top