દુનિયામાં જંગલી પશુ, પંખીઓ, સરીસૃપો તથા અનેક પ્રકારના જળચરોની વસ્તીમાં ઘટાડો થઇ રહ્યો હોવાની ચર્ચાઓ તો ઘણા સમયથી ચાલતી હતી તેમાં હાલમાં વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ દ્વારા આપવામાં આવેલા એક અહેવાલ પરથી એવી ચોંકાવનારી વિગતો મળે છે કે વિશ્વમાં છેલ્લી અડધી સદી જેટલા સમયમાં વન્ય જીવોની વસ્તી ઘટીને અડધી કરતા પણ ઓછી થઇ ગઇ છે.
વિશ્વભરમાં વન્ય જીવોની સંખ્યા પર રાખવામાં આવેલી નજર પરથી જાણવા મળ્યું છે કે ૧૯૭૦ અને ૨૦૧૮ વચ્ચે તેમની વસ્તીમાં ૬૯ ટકાનો ઘટાડો થયો છે એમ ડબલ્યુડબલ્યુએફના લીવીંગ પ્લેનેટ રિપોર્ટ(એલપીઆર) પરથી જાણવા મળે છે. આ અહેવાલ જેઓ પર્યાવરણની ચિંતા ધરાવે છે તેમના માટે ખૂબ જ ચોંકાવનારો છે. પચાસ કરતા પણ ઓછા વર્ષોના સમયગાળામાં આ દુનિયા પરની વન્ય પશુ, પંખીઓ સહિતના વન્ય જીવોની વસ્તી અડઘી કરતા પણ ઘણી ઓછી, ખરેખર તો સિત્તેર ટકા જેટલી ઘટી ગઇ તેવા અહેવાલ ખૂબ જ ચિંતાજનક છે. જો આ જ રીતે વન્ય જીવોનું નિકંદન નિકળતું રહેશે તો આ દુનિયાનું જીવ વૈવિધ્ય તો ઘટશે જ પણ તેની ગંભીર પર્યાવરણીય અસરો પણ લાંબા ગાળે થઇ શકે છે.
ડબલ્યુડબલ્યુએફના અહેવાલમાં પુરા પાડવામાં આવેલા લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સ(એલપીઆઇ)માં પ૨૩૦ પશુ પ્રજાતિઓની વસ્તી દર્શાવવામાં આવી છે અને તે દર્શાવે છે કે વિષુવવૃતિય પ્રદેશોમાં વન્યજીવ સૃષ્ટિની વસ્તી ઝડપી દરે ઘટી રહી છે. લેટિન અમેરિકા અને કેરેબિયન પ્રદેશોમાં દેખરેખ હેઠળની જંગલી પશુઓની વસ્તીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે – અને આ સમયગાળા દરમ્યાન તેમની વસ્તીમાં સરેરાશ ૯૪ ટકાના દરે ઘટાડો નોંધાયો છે એમ આ અહેવાલ જણાવે છે. આફ્રિકામાં વન્યજીવોની વસ્તીમાં ૬૬ ટકાનો અને એશિયા પેસિફિક પ્રદેશમાં પપ ટકાનો ઘટાડો નોંધાયો છે.
મીઠા જળની જીવસૃષ્ટિની વસ્તીમાં તો અન્ય પ્રજાતિઓની સરખામણીએ સરેરાશ ૮૩ ટકાનો ઘટાડો નોંધાયો છે એમ આ અહેવાલ જણાવે છે. આ અહેવાલ પરથી સમજી શકાય છે કે લેટિન અમેરિકા અને કેરેબિયન પ્રદેશોમાં આ બાબતે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. લેટિન અમેરિકામાં એમઝોનના વિષુવવૃતિય જંગલો પણ આવી જાય છે. આ જંગલો તેમની વૈવિધ્યસભર જીવસૃષ્ટિ માટે જાણીતા છે. પણ લેટિન અમેરિકન દેશોની કાયદો વ્યવસ્થાની નબળી સ્થિતિને કારણે દેખીતી રીતે જ અહીં દાયકાઓ સુધી જંગલોમાં શિકારની પ્રવૃતિ મોટા પાયે ચાલતી રહી, જંગલોનું નિકંદન પણ અહીં મોટા પાયે કાઢવામાં આવ્યું છે અને તેથી પણ વન્ય જીવોની વસ્તીને મોટી અસર થઇ છે.
૯૪ ટકા એ ખૂબ જ મોટો આંકડો કહેવાય અને સમજી શકાય છે કે કેટલી હદે અહીં વન્ય જીવ સૃષ્ટિનું નિકંદન નિકળી ગયું છે. આફ્રિકા ખંડ પણ તેની સમૃદ્ધ વન્ય જીવ સૃષ્ટિ માટે જાણીતો છે અને ત્યાં પણ જંગલી જીવોના પ્રમાણમાં ૬૬ ટકાનો ઘટાડો ચિંતાજનક છે. એશિયા-પેસેફિકના પ્રદેશમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, પાપુઆ ન્યૂગિની વગેરેના જંગલોમાં વૈવિધ્યસભર જીવસૃષ્ટિ છે, અહીં તેમાં પપ ટકાનો ઘટાડો આ સમયગાળા દરમ્યાન નોંધાયો છે જે પણ ચિંતાજનક તો છે જ.
લિવિંગ પ્લેનેટ અહેવાલ દર્શાવે છે કે વન્યજીવોની વસ્તીમાં ઘટાડા માટે જવાબદાર એવા મુખ્ય પરિબળો તેમના વસવાટના સ્થળોમાં ઘડાડો અને નાશ, તેમનો શિકાર, કોઇ પ્રજાતિના વિસ્તારમાં અન્ય પ્રજાતિની ઘૂસણખોરી, પ્રદૂષણ, હવામાન પરિવર્તન અને રોગો જેવા કારણો જણાય છે. ડબલ્યુડબલ્યુએફ ઇન્ટરનેશનલના ડિરેકટર જનરલ માર્કો લેમ્બર્ટિનીએ જણાવ્યું હતું કે આપણે માનવ સર્જીત હવામાન પરિવર્તન અને જૈવવૈવિધ્યમાં ઘટાડો એમ બે રીતે કટોકટીનો સામનો કરી રહ્યા છીએ જે હાલની અને ભવિષ્યની પેઢીઓના ક્ષેમકુશળ માટે ખતરો ઉભો કરે છે. તેમની વાત બિલકુલ સાચી છે. જૈવ વૈવિધ્યમાં ઘટાડો એ એક મોટી ચિંતાજનક બાબત છે જ.
ઘણા લોકોને આમાં કશું ચિંતાજનક જણાતુ નથી પરંતુ જૈવ વૈવિધ્યમાં ઘટાડો કેટલાક વિસ્તારોમાં લાંબા ગાળે ગંભીર પર્યાવરણીય અસરો ઉભી કરી શકે છે. અને આપણે ફક્ત પર્યાવરણીય અસરોની ચિંતાથી નહીં પરંતુ આપણા ગ્રહ પૃથ્વી પર પ્રકૃતિએ સર્જેલ વિવિધ પ્રકારની જીવ સૃષ્ટિને આપણી સાથીદાર ગણીને તેને ટકાવી રાખવા માટે તેના જતન અને સંવર્ધનના પ્રયાસો કરવાના છે. સુંદર પક્ષીઓ, જાત જાતના માંસાહારી અને શાકાહારી વન્ય પશુઓ અને વિવિધતાપૂર્ણ જળચરોને બચાવવાના પ્રયાસો નહીં થાય તો ભાવિ પેઢીએ કદાચ તેમને ફોટાઓમાં જ જોવાના રહેશે.