નવી દિલ્હી: બિહાર સરકારને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી આજે સોમવારે મોટો ઝટકો લાગ્યો હતો. અસલમાં પટના હાઈકોર્ટે થોડા સમય પહેલા નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત (Reservation) વધારવાના બિહાર સરકારના નિર્ણય પર રોક લગાવી હતી. હવે સુપ્રિમ કોર્ટે પણ આ નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટ હવે સપ્ટેમ્બરમાં આ મામલે સુનાવણી કરશે.
અસલમાં લોકસભાની ચૂંટણી પહેલા બિહાર સરકારે રાજ્યના વંચિત વર્ગો માટે અનામત મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. જોકે પટના હાઈકોર્ટે અનામત વધારવાના નિર્ણયને રદ કરી દીધો હતો. પટના હાઈકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યો હતો. ત્યારે બિહાર સરકારે હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની અરજી પર સુનાવણી કરવા માટે પણ સંમતિ દર્શાવી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે બિહાર સરકારના નિર્ણયને રદ કર્યો હતો, જેમાં બિહાર સરકારે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે પછાત વર્ગ માટે અનામત વધારવાનો વાયદો કર્યો હતો. અસલમાં વાયદા મુજબ બિહાર સરકારે પછાત વર્ગો, SC અને ST સમુદાયના લોકો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી.
અનામતના નિર્ણય સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી
અગાઉ બિહાર સરકાર દ્વારા અનામત મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે રાજ્યના નિર્ણયની બંધારણીય માન્યતાને પડકારતી અનેક અરજીઓ પટના હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓની સુનાવણી કરતા હાઇકોર્ટે માર્ચમાં આ સંદર્ભે દાખલ કરાયેલી રિટ પિટિશનની બેચ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ પછી 20 જૂને હાઈકોર્ટે બિહાર સરકારને મોટો ઝટકો આપ્યો હતો અને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાજ્ય દ્વારા નિર્ધારિત 65 ટકા અનામતની મર્યાદા રદ કરી હતી.
બિહાર સૌથી વધુ અનામત આપતું રાજ્ય બન્યું
બિહાર સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્ય ગેઝેટમાં બે બિલોને સત્તાવાર રીતે સૂચિત કર્યા હતા. જેનો ઉદ્દેશ્ય પછાત અને વંચિત સમાજના લોકો માટે અનામતની મર્યાદા વધારવાનો હતો. ત્યારે આ બિલ સાથે બિહાર એવા મોટા રાજ્યોની યાદીમાં સામેલ થયું હતું કે જે રાજ્યોમાં મહત્તમ અનામત આપવામાં આવે છે.