Vadodara

6,200 કરોડના ડ્રાફ્ટ બજેટ સામે વડોદરા કોર્પોરેશન પર 4,600 કરોડનું દેવું !

કોણ ઉઠાવશે આ આર્થિક બોજ?

640 કરોડથી શરૂ થયેલું બાકી ચૂકવણીનું બિલ વ્યાજ અને દંડ સાથે 4,600 કરોડને પાર પહોંચ્યું

વડોદરા મહાનગર પાલિકા સામે મહીસાગર નદીમાંથી લેવામાં આવતાં પાણી માટે સિંચાઈ વિભાગ દ્વારા 4,600 કરોડથી વધુના રૂપિયાનું તોતિંગ બિલ ડિસેમ્બર 2024 સુધીમાં બન્યું છે. આ બાકી રકમ વર્ષોથી ભરવામાં આવી નથી, જેના કારણે મૂળ 640 કરોડનું બિલ વ્યાજ અને દંડ સહિત હાલ વધીને 4,600 કરોડની સપાટી વટાવી ગયું છે. સિંચાઇ વિભાગ દ્વારા પાલિકાને અનેક વખત નોટિસ આપવામાં આવી છે છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી, જેના કારણે આ મુદ્દો વધુ ઘેરાયો છે.

વર્ષ 1971માં રાજ્ય સરકારની પાનમ યોજના હેઠળ મહીસાગર નદીમાંથી પાણી મેળવવા માટે કરાર કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર માટે આજવા સરોવર જ મુખ્ય પાણી સપ્લાયનો સ્ત્રોત છે, જ્યાંથી દરરોજ 150 MLD પાણી મેળવી પૂર્વ વિસ્તારમાં અંદાજે 8 લાખ લોકોને પૂરું પાડવામાં આવે છે. જો કે, મહીસાગર નદીમાંથી અલગ-અલગ ફ્રેન્ચ વેલ મારફતે વધારાનું 388થી 400 MLD પાણી સમગ્ર શહેર માટે સપ્લાય કરવામાં આવે છે.

પાલિકા પર આ 4,600 કરોડથી વધુના રૂપિયાની બાકી રકમ હોવા છતાં, તાજેતરમાં રજૂ કરાયેલા વર્ષ 2025-26 ના ડ્રાફ્ટ બજેટમાં માત્ર 233 કરોડનું જ દેવું દર્શાવવામાં આવ્યું છે. જેમાં 75 કરોડ સિંકિંગ ફંડ બનાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ મેચ્યોરિટી સમયે બોન્ડના રીડમશનમાં કરવામાં આવશે. આથી, મોટો સવાલ એ ઉભો થાય છે કે સિંચાઈ વિભાગનું આ દેવું કોણ ભરશે? અગાઉ આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત થઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી.

સિંચાઈ વિભાગે સિંચાઇ માટેના પાણીના ચાર્જિસ માટે શરૂમાં માત્ર 640 કરોડ રૂપિયાનું બિલ આપ્યું હતું. પરંતુ કોર્પોરેશન દ્વારા ચૂકવણીમાં વિલંબ અને વ્યાજ-દંડના કારણે આ રકમ 4,600 કરોડને પાર પહોંચી ગઈ છે. નોટિસો અને તાકીદો છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં લેવાયા નથી, જે શાસનના કચાશને સ્પષ્ટ કરે છે. 6200 કરોડના ડ્રાફ્ટ બજેટમાં આ રકમના ઉલ્લેખનો અભાવ દર્શાવે છે કે પાલિકા આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી નથી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ અને પાણી પુરવઠા સાથે સંકળાયેલા આ મુદ્દાને તાત્કાલિક હલ કરવાની જરૂર છે. 4,600 કરોડનું બિલ પૂરું પાડી શકાય તેમ નથી, પણ તેનો ઉકેલ લાવવા માટે પારદર્શક અને જવાબદાર વહીવટની જરૂર છે. જો યોગ્ય સમયે નક્કર પગલાં નહીં લેવાય, તો ભવિષ્યમાં વડોદરાના નાગરિકોને આ સમસ્યાનો સીધો ભોગ બનવો પડશે.

Most Popular

To Top