વન ડે વન હેરિટેજ’ના સંકલ્પ સાથે વડોદરાના ઐતિહાસિક વારસાને જાળવવા તંત્ર અને જનતાનો ‘જુગલબંધી’ અભિગમ
(પ્રતિનિધિ), વડોદરા. તા.12
વડોદરા માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું સાંસ્કૃતિક પાટનગર ગણાય છે. ગાયકવાડી શાસનકાળ અને તે પૂર્વેના સ્થાપત્યો વડોદરાની ઓળખ છે. આ ઓળખને સમયના ધૂળિયા પડ નીચે દટાતી બચાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે એક ક્રાંતિકારી અભિયાનનો શંખનાદ કર્યો છે. વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલી, અદભૂત કોતરણી ધરાવતી 600 વર્ષ પ્રાચીન સેવાસી વાવ હવે નવા અવતારમાં જોવા મળશે.



સામાન્ય રીતે સરકારી પ્રોજેક્ટ્સ કાગળ પર ચાલતા હોય છે, પરંતુ સેવાસી વાવ ખાતે શરૂ થયેલું આ અભિયાન એક ‘જન આંદોલન’ બની ગયું છે. વડોદરા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હેરિટેજ સેલની ટીમ જ્યારે મેદાનમાં ઉતરી, ત્યારે તેમની સાથે ખભેખભા મિલાવીને ઉભા રહ્યા વડોદરાના જાગૃત નાગરિકો. આ કાર્યમાં નિષ્ણાતોની સલાહ લેવા માટે હેરિટેજ ટ્રસ્ટ અને INTACH (Indian National Trust for Art and Cultural Heritage) જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓને જોડીને સ્થાપત્યની મૌલિકતા જળવાય તેની કાળજી લેવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટમાં માત્ર સરકારી ભંડોળ જ નહીં, પરંતુ શહેરના ઉદ્યોગ જગતનો પણ મોટો ફાળો છે. આર્થિક ઇન્ડસ્ટ્રીઝ જેવી અગ્રણી સંસ્થાઓએ આર્થિક સહયોગ આપીને સાબિત કર્યું છે કે ઉદ્યોગ જગત પણ શહેરના વારસા માટે એટલું જ સંવેદનશીલ છે. અનુભવી આર્કિટેક્ટ્સની દેખરેખ હેઠળ વાવના પગથિયાં, ગોખલા અને તેના અટારીઓની સાફ-સફાઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવી રહી છે જેથી પ્રાચીન શિલ્પોને નુકસાન ન થાય.
કમિશનરે શહેરની દરેક NGO, સ્કૂલ-કોલેજો અને યુવાનોને વિનંતી કરી છે કે તેઓ આ અભિયાનમાં જોડાય. આ માત્ર સફાઈ અભિયાન નથી, પણ આપણી આવનારી પેઢીને આપણો ઇતિહાસ ભેટમાં આપવાની કોશિશ છે. વડોદરાની કલા અને સંસ્કૃતિના જતન માટે હવે લોકશક્તિ એકઠી થઈ છે, જે આગામી સમયમાં શહેરના પર્યટન ક્ષેત્રે નવા દ્વાર ખોલશે.
સેવાસી વાવનું આ મિશન વડોદરાના તમામ ઐતિહાસિક સ્થાપત્યો માટે એક ‘બ્લુ પ્રિન્ટ’ સાબિત થશે. વડોદરા હવે તેના ભવ્ય ભૂતકાળને આધુનિક મેનેજમેન્ટ સાથે જોડીને વિશ્વ સ્તરે પોતાની ‘હેરિટેજ સિટી’ તરીકેની છબી વધુ મજબૂત બનાવશે.